લંડનઃ બીગ ડાન્સ બસ ટુરના ભાગરુપે ગત ૨૪મી જુલાઈએ સેન્ટ્રલ લંડનની રિજન્ટ્સ સ્ટ્રીટમાં સેંકડો દર્શકોને સમૃદ્ધ ભારતીય કલાની ઝાંખી નિહાળવાની તક મળી હતી. ‘ઈન્સ્પીરેશનલ ઈન્ડિયન વિમેન’ સંસ્થાના સભ્યોએ દર્શકોના મનોરંજન માટે કોરિયોગ્રાફર રાગસુધા વિન્જામુરીના નિર્દેશન હેઠળ તૈયાર કરેલું શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. ભરતનાટ્યમ અને કથકના તાલ પર વાદ્ય સંગીત સાથે આ નૃત્ય રજૂ કરાયું હતું.
નૃત્યમાં કલાકારોના સ્ટેપ, રંગબેરંગી વસ્ત્ર પરિધાન અને સૂરીલા સંગીતને લીધે વાતાવરણ ઉલ્લાસમય બન્યું હતું અને ઉપસ્થિત પ્રેક્ષકોએ તેમના નૃત્યની મુક્ત મને પ્રશંસા કરી હતી.
આ સુંદર નૃત્ય યેશા લક્ષ્મી, પિયા શુક્લ શર્મા, પ્રીતિદીપા બરુઆ, દર્શિની દોશી, અદિતિ ખંડેલવાલ, શ્વેતા ધાલ, આરતી રાવલ વ્યાસ અને રિચા રત્નામત્મકે રજૂ કર્યું હતું. આ કલાકારોને ભારતીય નૃત્ય પ્રત્યે ખૂબ લગાવ છે અને સશક્તિકરણ તરીકે તેઓ કોરિયોગ્રાફી શીખ્યા છે. આ ગ્રૂપના સભ્યોમાં પ્રોફેશનલ, હોમમેકર્સ અને નાના બાળકો ધરાવતી માતાઓ સહિત મહિલાઓનો સમાવેશ થાય છે.
બીગ ડાન્સ એ લંડનના મેયરનો પ્રોજેક્ટ છે અને તે દર બે વર્ષે યોજાય છે. તેનો આરંભ ૨૦૦૬માં થયો હતો.