લંડનઃ ઓનર કિલિંગના ભોગ બનેલાની યાદમાં કોસ્મોપોલિટનના સહયોગથી ૧૪ જુલાઈ, ૨૦૧૫ના રોજ સૌપ્રથમ ‘કર્મ નિર્વાણ’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેમાં જસવિન્દર સાંઘેરા CBE દ્વારા સ્થાપિત અને ૧૯૯૩થી રજિસ્ટર્ડ કર્મ નિર્વાણ ચેરિટી ઓનર કિલિંગ અપરાધો અને બળજબરીથી કરાવાતા લગ્નોનાં પીડિતોને ટેકો આપી રહેલ છે. સાંઘેરા ખુદ આ શોષણનો શિકાર બન્યાં હતાં.
૨૦૦૩માં માત્ર ૧૭ વર્ષની કુમળી વયે ઓનર કિલિંગના લીધે જાન ગુમાવનાર શફિલીઆ અહમદની યાદમાં તેના જન્મદિન ૧૪ જુલાઈએ દર વર્ષે સ્મરણદિન યોજવામાં આવશે. યુકેની ચેરિટી રેફ્યુજ દ્વારા પણ ઓનર અપરાધોમાં મોતને ભેટેલાની યાદમાં ‘બ્રિટન્સ લોસ્ટ વિમેન ડે’ સ્મૃતિદિન ઉજવાશે. કર્મ નિર્વાણના આંકડા અનુસાર વિશ્વમાં દર વર્ષે અંદાજે ૫,૦૦૦ સ્ત્રીની આબરુના નામે હત્યા કરાય છે. ઘણા અપરાધોની ફરિયાદો પણ નોંધાવાતી નથી. જસવિન્દર સાંઘેરાના કહેવા અનુસાર યુકેમાં બળજબરીથી કરાવાયેલાં લગ્નોની સંખ્યા ૧૦૦,૦૦૦થી વધુ છે. કર્મ નિર્વાણને દાન આપવા www.karmanirvana.org.uk વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.