‘ગુજરાત સમાચાર’ના રાશિભવિષ્ય કટાર લેખક ભરતભાઇ વ્યાસનું નિધન

Wednesday 16th September 2020 06:33 EDT
 
 

રાજપીપળામાં સાંઇ નવગ્રહ, ગાયત્રી શક્તિપીઠના સ્થાપક-ટ્રસ્ટી અને 'ગુજરાત સમાચાર'ના અઠવાડિક રાશિ ભવિષ્યના કટારલેખક, પત્રકાર ભરતભાઇ વ્યાસનું તા. ૧૪ સપ્ટેમ્બર સોમવારે દુ:ખદ નિધન થયું છે. ૬૭ વર્ષના ભરતભાઇ કોરોના વાયરસથી સંક્રમિત થતાં તેમને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ તેઓના ફેફસાંમાં ઇન્ફેકશન કલીયર થઇ ગયું હતું પરંતુ તેઓને સંપૂર્ણ રીકવરી ના થઇ શકતાં મોતને ભેટ્યા હતા. ભરતભાઇનાં ધર્મપત્ની શોભનાબેન પણ કોરોનાથી સંક્રમિત થતાં સારવાર હેઠળ છે.
ગાયત્રી ઉપાસક, સાંઇ ભક્ત ભરતભાઇ ૧૯૮૨થી અવારનવાર લંડન આવતા હતા. અમેરિકા અને યુ.કે.માં યજમાનોને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી દરેક પ્રકારની યજ્ઞ વિધિ કરાવતા હતા. ડાંગ વિસ્તારના આદિવાસીઓ માટે ભરતભાઇ એક મસીહા જેવા હતા. તેમને ડાંગના પછાત વિસ્તારોમાં નાના મોટા ૧૪૫ મંદિરો સ્થાપ્યાં, આદિવાસી ગરીબ છોકરા-છોકરીઓને સ્કૂલોમાં જવા પ્રેરિત કરતા અને નોટબુકો-પુસ્તકો તથા યુનિફોર્મ પૂરા પાડતા. વિકલાંગોને સાયકલનું દાન કરતા.
ભરતભાઇ એમની પાછળ પત્ની શોભનાબેન, દીકરીઓ ગાયત્રી યતીનભાઇ તથા સાવિત્રી હિતેન્દ્રભાઇ સહિત પૌત્રીઓ ઋષિકા, આશ્રુતિ તથા રિધ્ધિને વિલાપ કરતા છોડી ગયા છે. લંડનસ્થિત દીકરી ગાયત્રી પિતાજીની અણધારી વિદાયના સમાચાર સાંપડતા જ સોમવારે ફલાઇટ લઇ રાજપીપળા પહોંચી ગઇ છે. સંપર્ક: 9879166006; 07590 011605.
પરમકૃપાળુ પરમાત્મા સદગત ભરતભાઇના આત્માને ચિરશાંતિ આપે અને પરિવારજનોને એમની અણધારી ચિરવિદાયનો વસમો આઘાત સહન કરવાની શક્તિ આપે એવી 'ગુજરાત સમાચાર' પરિવારની પ્રાર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter