લંડનઃ બ્રિટનની રાજધાની લંડનમાં આગામી તા.૧૮ એપ્રિલથી શરૂ થનારી ત્રણ દિવસીય કોમનવેલ્થ હેડ્ઝ ઓફ ગવર્મેન્ટ (ચોગમ)માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા યજમાન બ્રિટન ઉત્સાહથી થનગની રહ્યું છે. ૫૩ દેશોના વડપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખો આ બેઠકમાં ભાગ લેવાના છે, પરંતુ આ તમામ દેશોની વસતીના ૫૦ ટકા જેટલી વસતી એકલા ભારતમાં હોવાથી અને એ દ્રષ્ટિએ ભારત સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ હોવાને કારણે ‘ચોગમ' પરિષદમાં ભારતનો દબદબો રહેશે. વર્ષ ૨૦૧૦ બાદ સૌ પ્રથમ વખત ભારતના વડાપ્રધાને ચોગમમાં હાજરી આપવાની તૈયારી દર્શાવતાં આ ફોરમ પુન: જીવંત બનશે અને ‘બ્રેક્ઝિટ' બાદ ભારત બ્રિટનનું બિઝનેસ પાર્ટનર બની રહેશે, એમ બ્રિટનમાં વિદેશનીતિના તજજ્ઞો માને છે.
આ પરિષદમાં વડાપ્રધાન મોદીને ઉપસ્થિત રહેવા માટે ક્વિન એલિઝાબેથે અંગત પત્ર પણ પાઠવ્યો છે. બ્રિટનના મિનિસ્ટર ઓફ સ્ટેટ માર્ક ફિલ્ડે ઉમેર્યું હતું કે, બ્રિટને ભારતીયોને સત્કારવા માટે વિઝા આપવાની નીતિમાં ઉદાર વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે. બ્રિટનના કોમનવેલ્થ એન્ડ યુનાઈટેડ નેશન્સ મિનિસ્ટર બેરોન તારીક અહેમદે જણાવ્યું હતું ‘સભ્ય દેશો સમૃદ્ધ બને, તેમનું ભાવિ સુરક્ષિત રહે, સંતુલિત વિકાસ થાય અને તમામ સભ્ય દેશોમાં સુશાસન જળવાતું રહે એ તેનો મુખ્ય આશય છે.' આ દેશો વચ્ચે વેપાર-ધંધાની સમજૂતી અને સમજ કેળવાય તો ઉત્પાદન ખર્ચ કમસેકમ ૧૯ ટકા ઘટે અને સૌ સાથી દેશોને લાભ થઈ શકે એમ છે.
ભારત અને બ્રિટન વચ્ચે આ પરિષદમાં વેપાર, ઉદ્યોગ વિકસાવવા ઉપરાંત ઓશન ડેવલપમેન્ટ, સાયબર સિક્યોરિટી, સંતુલિત વિકાસ, પ્લાસ્ટિક વેસ્ટ, ક્લાઈમેટ ચેન્જ, શિક્ષણ અને આરોગ્યની સવલતો વિકસાવવા અંગે વિગતે ચર્ચા થશે. ગત વર્ષે વધુ ૨૭ ટકા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું, ‘બંને દેશો વચ્ચે દર વર્ષે ૧૬ બિલિયન પાઉન્ડનો વેપાર થાય છે, જેમાં નોંધપાત્ર વધારો કરવાની અમારી નેમ છે.’
જી-૨૦ દેશોમાં બ્રિટનનું સૌથી વધુ મૂડીરોકાણ ભારતમાં હોવાનો ઉલ્લેખ કરતા માર્ક ફિલ્ડે જણાવ્યું હતું કે, ૧૫ લાખ ભારતીયો બ્રિટનમાં વસે છે અને દર વર્ષે અંદાજે ૪.૭૦ લાખ ભારતીયો પ્રવાસ, વેપાર, અભ્યાસ અર્થે બ્રિટનની મુલાકાતે આવે છે. સામા પક્ષે ભારતીય કંપનીઓ પણ બ્રિટનના વિકાસમાં ખાસ્સું યોગદાન આપી રહી છે. કમસેકમ ૧.૧૦ લાખ રોજગારીની તકોનું નિર્માણ બ્રિટનમાં ભારતીય કંપનીઓએ કર્યું હોવાનું જણાવીને માર્ક ફિલ્ડે ઉમેર્યું હતું કે, બ્રિટનમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ટેલિકોમ ક્ષેત્રે ભારતીય કંપનીઓનું રોકાણ સૌથી વધુ ૩૦ ટકા જેટલું છે. ભારત અને બ્રિટન ઉભય પક્ષે એક-મેકને મદદરૂપ થવાનો, ફાઈનાન્સિયલ ઇકો-સિસ્ટમ ડેવલપ કરવાનો, લાઈફ સાયન્સ, ફૂડ એન્ડ ડ્રગ્સ, શિક્ષણ અને આરોગ્ય વિભાગમાં વધુ રોજગારીની તકોના નિર્માણ માટેનો પ્રયાસ આગળ ધપાવશે. ભારતીયો માટે સ્ટુડન્ટ્સ વિઝા ઉપરાંત, પ્રોફેશનલ્સ કેટેગરીમાં વર્ક વિઝા, ટુરિસ્ટ અને બિઝનેસ કેટેગરીનાં વિઝા આપવા અંગેનો ક્વોટા પણ વધારવામાં આવશે.
કોમનવેલ્થ દેશોમાં ખાસ કરીને બ્રિટન અને ભારત વચ્ચે સારો વ્યાપાર અને ટુરિઝમ વિકસાવવા પર ભાર મૂકતાં બેરોન અહેમદે કહ્યું હતું કે, ભારતનો આર્થિક વિકાસ ઝડપથી સાત ટકાના દરે થઈ રહ્યો છે. ૨૦૨૮ સુધીમાં ભારત ‘થર્ડ લાર્જેસ્ટ' ઈકોનોમી બનવા જઈ રહ્યું છે ત્યારે બ્રિટન ભારતને પોતાના મજબૂત સાથી તરીકે જોવા ઈચ્છે છે. ભારતીય પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે ૨૦ ટકા દરે વધી રહી છે ત્યારે એનો લાભ લેવા માટે બ્રિટન ઈચ્છુક છે, એમ કહી તેમણે ઉમેર્યું કે, વેપાર અને ધંધામાં વૃદ્ધિ ઉપરાંત ઇન્ડિયન ડાયસ્પોરા બ્રિટનની સૌથી મોટી તાકાત પુરવાર થયું છે. બ્રિટનમાં ૧૫ લાખ ભારતીયો વસે છે. જે પૈકી ૧૧ મહાનુભાવોની ગણના બ્રિટનના અબજોપતિ તરીકે થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયન ડાયસ્પોરાને ભારત અને બ્રિટન વચ્ચે ‘લાઈવ બ્રિજ' તરીકે ઓળખાવે છે. આ સમુદાયનો ઉપયોગ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક, ભાષાકીય અને લોકો વચ્ચેનું નેટવર્ક કેવી રીતે મજબૂત બને- એ અંગે બંને દેશો વચ્ચે વિચારણા ચાલી રહી છે. લંડન એ વિશ્વનું ફાઈનાન્સિયલ હબ જરૂર છે, પરંતુ સાથોસાથ પોતાની ઈન્સ્યોરન્સ, લિગલ સર્વિસીઝ, કન્સલ્ટન્સી અને ક્રિએટિવ આર્ટ વર્ક માટે પણ એટલું જ જાણીતું છે. ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરીને ઝળહળતી કારકિર્દી બનાવે છે, પરંતુ તેમની તેજસ્વીતાથી બ્રિટન શા માટે વંચિત રહી જાય છે? એ સવાલ હવે કેન્દ્ર સ્થાને ચર્ચાય છે. આ સંદર્ભે બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય, રમત-ગમત, સંગીત અને ખાણી-પીણીની મજબૂત લિંક બને એ જ સમયનો તકાદો છે, એમ કહી બેરોન અહેમદે ઉમેર્યું કે, કોમનવેલ્થ પરિષદના ઉપક્રમે યુથ ફોરમ, વિમેન ફોરમ, બિઝનેસ ફોરમના માધ્યમથી બંને દેશો વચ્ચે ઉપરોક્ત લિંક વધુ સુદૃઢ બનાવાશે.