લંડનઃ ‘જેહાદી જ્હોન’ સીરિયા છોડી લિબિયા પહોંચી ગયો હોવાનું ઈન્ટેલિજન્સ નિષ્ણાતો કહે છે. ISISના અનેક શિરચ્છેદ વિડીઓઝમાં દેખાયા પછી ‘જેહાદી જ્હોન’ની સાચી ઓળખ બહાર આવી જતા ઈસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા તેને બાજુએ કરી દેવાયો હતો. બ્રિટનમાં જન્મેલા ત્રાસવાદીને લંડનના મોહમ્મદ એમવાઝી તરીકે ઓળખી કઢાયો હતો. ૨૬ વર્ષીય જલ્લાદ એમવાઝી જાન્યુઆરી પછી ISIS પ્રચાર વિડીઓમાં દેખાયો નથી.
તે કદાચ સીરિયા પરના હુમલાઓમાં માર્યો ગયો હોય કે ઈજાગ્રસ્ત થયો હોય તેવી શંકા પણ વ્યક્ત કરાય છે. જોકે, યુએસની આગેવાની હેઠળના જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સના સૂત્રે જણાવ્યું હતું કે આંતરાયેલા સંદેશાઓ પરથી તે લિબિયા નાસી છૂટ્યો હોવાનું મનાય છે.