લંડનઃ અમેરિકાના મિનેપોલીસમાં ૨૫ મેએ પોલીસ અધિકારીઓના હાથે અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના મોતના પગલે વિશ્વભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તેનો પડઘો યુકેમાં પણ જોવાં મળ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણની ચેતવણીઓ છતાં, ‘બ્લેક લાઈવ્સ મેટર’ ગ્રૂપના દેખાવકારોએ વીકએન્ડ અને ખાસ કરીને ૭ જૂન રવિવારે લંડન સહિતના શહેરોમાં રેલીઓ સાથે હિંસક દેખાવો કર્યા હતા.
લંડનસ્થિત યુએસ એમ્બેસી સામે મોટી સંખ્યામાં દેખાવકારોએ સૂત્રોચ્ચાર અને શેરીઓમાં આતશબાજી કરી હતી. પોલીસ સાથે ઝપાઝપીમાં અધિકારીઓને ઈજા થઈ હતી તેમજ કેટલાક દેખાવકારોની ધરપકડ કરાઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે આ દેખાવો ગુંડાતત્વોના હાથમાં સરકી ગયા છે.
પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના રાષ્ટ્રીય સ્મારક સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી એટલું જ નહિ, યુદ્ધ સ્મારક ‘The Cenotaph’ પર ફરકતા યુનિયન જેક ધ્વજને આગ લગાવી હતી. બ્રિસ્ટોલમાં દેખાવકારોએ ૧૭મી સદીના ગુલામોના વેપારી એડવર્ડ કોલ્સટોનના પૂતળાને ઉખાડી નાખ્યું હતું.
અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ લંડનમાં સતત બીજા વીકએન્ડમાં હિંસક દેખાવો જારી રહ્યા હતા. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દેખાવોમાં ગુંડાગીરીને વખોડતા કહ્યું હતું કે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શાંતિપૂર્ણ દેખાવો કરવાનો અધિકાર છે પરંતુ, પોલીસ પર હુમલાનો અધિકાર નથી.
આ દેખાવો હિંસક તત્વોના હાથમાં ચાલ્યા ગયા છે અને જે ઉદ્દેશ હતો તેની સાથે છેતરપિંડી થઈ છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સામાન્ય જાહેર ગેરવ્યવસ્થા મુદ્દે જણાવ્યું હતું કે આ તદ્દન ગૌરવહીન છે. લોકો ખરેખર જેના માટે દેખાવો કરી રહ્યા હતા અને જેમના માટે સહાનુભૂતિ વ્યક્ત કરાતી હતી તે ઉદ્દેશથી ભટકી ગયા છે. લૂંટફાટ, તોડફોડ અને હિંસા ચલાવી લેવાય નહિ. આ માટે જવાબદાર લોકો સામે અવશ્ય પગલાં લેવાશે.
હોમ સેક્રેટરીએ લોકોને મોટી સંખ્યામાં એકત્ર નહિ થવાની ચેતવણી આપવા છતાં, હજારો લોકો સડકો પર ઊતરી આવ્યાં હતાં. પાર્લામેન્ટ સ્ક્વેરમાં શનિવારે હજારો બ્લેક લાઇવ્સ મેટર્સ દેખાવકારો ઊમટી પડયાં હતાં જેમાં, બ્રિટિશ હેવી વેઇટ ચેમ્પિયન એન્થની જોશુઆ પણ જોડાયો હતો.
બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લ્યુટેન્સે ડિઝાઈન કરેલા અને પ્રથમ વિશ્વ યુદ્ધમાં જીવન ગુમાવનારા લાખો લોકોને સમર્પિત યુદ્ધ સ્મારક ધ સેનોટાફ પર ચડી ગયેલા એક દેખાવકારે યુનિયન જેક ફ્લેગને આગ ચાંપી હતી. લંડનમાં જ પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના રાષ્ટ્રીય સ્મારક પર તેમને રેસિસ્ટ ગણાવતું ચિતરામણ કરી દેવાયું હતું. બ્રિસ્ટોલમાં દેખાવકારોએ ૧૭મી સદીના ગુલામોના વેપારી એડવર્ડ કોલ્સટોનના ધાતુનાં પૂતળાને ઉખાડી હાર્બરમાં પધરાવી દીધું હતું અને તેના પ્લેટફોર્મ પર ચિતરામણ કર્યું હતું. બ્રિસ્ટોલના મેયર માર્વિન રીસે સ્પષ્ટ કર્યું હતું કોલ્સટોનના પૂતળાને હવે મ્યુઝિયમમાં મૂકી દેવાશે. લેબર શેડો જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમીએ કોલ્સટોન પૂતળાની ઘટનાને ટેકો આપતા કહ્યું હતું કે આ માણસે ૮૦,૦૦૦થી વધુ આફ્રિકન સ્ત્રી-પુરુષ અને બાળકોની હેરાફેરી કરી હતી, જે ખરેખર શરમજનક હતી.