લંડનઃ ફેડરેશન ઓફ આંબેડકરાઈટ્સ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુકે (FABO UK) દ્વારા ૧૨ માર્ચ, રવિવારે વેસ્ટ લંડનમાં સાઉથોલના આંબેડકર ભવન ખાતે એક દિવસીય સેમિનાર ‘ધ વે અહેડ ઓફ સોશિયલ હાર્મની ઈન ઈન્ડિયા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત્ત અધિક ડીજીપી, લેખક અને ભારતના રાજસ્થાનની હાઈકોર્ટમાં એડવોકેટ ડો. પી.એન. રછોયા મુખ્ય વક્તા હતા. ભારતના વિવિધ રાજ્યો અને ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા લોકોએ સેમિનારમાં હાજરી આપી હતી.
ઉપસ્થિત મહાનુભાવોમાં ઈલિંગ સાઉથના સાંસદ વિરેન્દ્ર શર્મા, લંડન એસેમ્બલી મેમ્બર ડો. ઓન્કાર સહોતા, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલ, ‘ગુજરાત સમાચાર’ કન્સલ્ટિંગ એડિટર શ્રીમતી જ્યોત્સના શાહ, ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ, સેસ્ટરશાયરના અધ્યક્ષ અબ્દુલકરીમ ઘીવાલા, વોઈસ ઓફ દલિત ઈન્ટરનેશનલ યુકે (VODI UK)ના ડિરેક્ટર આર. યુજેન કુલાસ તેમજ ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના પ્રદીપ દૂધારિયા, દિલ્હી યુનિવર્સિટીના ડો. દેવેન્દ્ર તનવર અને મધ્ય ગુજરાત યુનિવર્સિટીના સંતોષ કુમાર બેનરજીનો સમાવેશ થયો હતો. ભારતના રાજ્યો ગુજરાત, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળના પ્રતિનિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સમારંભના વક્તાઓએ યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય ડાયસ્પોરાએ ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અને અનુક્રમિતા, અસ્પૃશ્યતા, અને ધાર્મિક કટ્ટરતાનો અંત લાવી શુભેચ્છા અને સંવાદિતાના વાતાવરણમાં સાથે રહેવા પર ભાર મૂક્યો હતો. FABO UKના જોઈન્ટ સેક્રેટરી ગૌતમ ચક્રવર્તી, બુદ્ધ ધર્મ એસોસિયેશનના બક્ષી બીરડી,ભગવાન વાલ્મિક મંદિર, સાઉથોલના ગુરપાલ ગિલ, કાઉન્સિલર તેજરામ બાઘા, ઈલિંગના પૂર્વ મેયર રણજિત બૌધ, રાહુલ પગારે અને શાલ્વી ગામિત આ સમારંભના પેટ્રન્સ હતા.