‘મિસીસ ઇન્ડિયા અર્થ ૨૦૧૭’ની સ્પર્ધાના ફાઇનલિસ્ટમાં લંડનની નીલાંજના

- જ્યોત્સના શાહ Sunday 24th September 2017 06:51 EDT
 
 

દેશવિદેશમાં વસતી પરિણીત ભારતીય મહિલાઓ સૌંદર્ય સાથે બુદ્ધિમત્તામાં પ્રાવીણ્ય ધરાવતી હોય અને કુટુંબ તથા પ્રોફેશ્નલ કરિયર બન્ને વચ્ચે સમતુલા જાળવીને સામાજિક ઉતરદાયિત્વ સુપેરે નિભાવી સમાજમાં પોતાની આગવી પ્રતિભા ધરાવતી હોય એવી મહિલાઓને યોગ્ય મંચ પૂરો પાડવા ‘મિસીસ ઇન્ડિયા અર્થ’ સ્પર્ધાનું આયોજન Adiva અને HCWAના સહયોગથી પ્રતિ વર્ષ થાય છે, જેમાં દેશવિદેશમાં વસતી હજારો ભારતીય મહિલાઓ ભાગ લે છે. આ સ્પર્ધાનો આશય મહિલાઓમાં છૂપાયેલી શક્તિઓ બહાર લાવીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
આ સ્પર્ધાની વિજેતા વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ ૨૦૧૭ની પ્રતિયોગિતામાં દેશવિદેશની હજારો મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૪૮ મહિલાઓની ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરાઇ છે. આ લિસ્ટમાં લંડનમાં વસતી નીલાંજનાનું નામ પણ ઝળહળે છે.
૩૧ વર્ષની નીલાંજના હેરોડ્સમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કરે છે અને એના પતિ પ્રદ્યુમન સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ ૨૦૧૪થી લંડનમાં રહે છે. એ ૧૮ માસના પુત્ર કિઆનની માતા છે. ભારતની રાજધાની દિલ્હીમાં આ સ્પર્ધા ૬ ઓક્ટોબરે ITC વેલકમ હોટેલમાં યોજાશે.
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના મઝગાંવ ટાઉનશીપની વતની નીલાંજનાને બાળપણથી જ પ્રકૃતિ અને પ્રાણી માત્ર પ્રત્યે લગાવ રહ્યો છે. તાજેતરમાં લંડનમાં HCWAના નેજામાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લઇને સ્થાનિક નાગરિકોમાં પર્યાવરણ પ્રતિ જાગૃતતા આવે એ માટે સક્રિય બની હતી. તે સમાજસેવા માટે હંમેશા તત્પર રહે છે. તેમજ નાનામોટા અનેક ચેરિટી કાર્યોમાં પોતાનું અનુદાન આપવા તત્પર રહે છે.
‘ગુજરાત સમાચાર’ના કન્સલ્ટીંગ એડીટરને આપેલા ઇન્ટરવ્યુમાં નીલાંજનાએ જણાવ્યું હતું કે, ‘એક શાદીસુદા યુવતી અને કરિયર ઉપરાંત નાના બાળકની માતા માટે આ કપરાં ચઢાણ છે, પરંતુ મારામાં સમાજને કંઇક પાછું આપવાની ધગશ છે એટલે હું આગળ વધી શકી છું અને વધીશ. દુનિયામાં ઘણું બધું શીખવાનું છે. નાની જિંદગીમાં એક એક પળનો સદુપયોગ કરી એને સાર્થક બનાવવી એ જ મારો મકસદ છે. મારું એક સપનું છે કે, હું સમાજમાં ‘જરા હટકે’ કરી બતાવીને મારા પરિવાર અને મિત્રોને ગૌરવ ઉપજે એવું કરું. મારું સપનું સાકાર કરવા મારા પતિ, કુટુંબીજનો અને મિત્રોનો ખુબ સારો સહકાર સાંપડ્યો છે. મારામાં રહેલા વાત્સલ્યભાવે જરૂરતમંદ બાળકો માટે કંઇક કરી છૂટવાની ભાવનાએ મને આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરી... અને જો સફળતા મળશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એમ્બેસેડર બની સમાજમાં બદલાવ લાવવા NGO સાથે કાર્યરત બનીને મારું અનુદાન આપીશ.’
એક મોડર્ન મહિલા પોતાની કરિયર સાથે કૌટુંબિક અને સામાજિક ભૂમિકા ભજવવામાં સહેજેય પાછળ નથી એ સમજ સાથે આગળ વધી રહી છે. નીલાંજના પોતાના સપનાની ઉડાનમાં સફળતા મેળવે તેવી શુભકામના...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter