લંડન: બ્રેન્ટ કાઉન્સિલની ભાગીદારીમાં રેડ લોટસ ઈવેન્ટ્સ સંસ્થા દ્વારા યુકેમાં પ્રદર્શિત સૌથી વિશાળ ગુજરાત પ્રદર્શનના આયોજનથી અદ્ભૂત ઈતિહાસ સર્જાયો છે. ‘એશિયન કોમ્યુનિટી ગિવિંગ બેક ટુ ધ યુકે’ની બે મહિલા સભ્ય મિરા સલાટ અને પ્રીતિ વરસાણીની આ અનેરી સિદ્ધિ છે. ગૌરવશાળી ગુજરાત રાજ્યના સૌથી શ્રેષ્ઠ વારસાને દર્શાવવા માટે તેમજ બ્રિટિશ પ્રજા દ્વારા ગુજરાતની વિશિષ્ઠ સાંસ્કૃતિક ઓળખની સમજથી ગુજરાત સાથેના વર્તમાન સંબંધો વધુ ગાઢ બનાવવાના હેતુ સાથે ૨૦ અને ૨૧ ઓગસ્ટ ૨૦૧૬ના દિવસોએ ‘રંગીલુ ગુજરાત’ નામે ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર યુકેના યુવાનોથી માંડી વૃદ્ધો સહિત ૩૦,૦૦૦ જેટલા લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. આ સાથે યુકેના અન્ય વિસ્તારોમાં પણ આવું પ્રદર્શન યોજવા કરાયેલી માગણીથી સ્પષ્ટ થાય છે કે પ્રથમ વર્ષે જ યોજાએલા ‘રંગીલુ ગુજરાત’ પ્રદર્શનને ભારે સફળતા સાંપડી છે. કાર્યક્રમોમાં લોકોએ વિશેષ પ્રકારની પાઘડી બાંધવી, ધ્યાન, રાસ-ગરબા, પતંગ ઉડાડવા તેમજ વિશિષ્ઠ પ્રકારની કળા સહિત ગુજરાતની સંસ્કૃતિની અનેક પરંપરાગત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રેડ લોટસ ઈવેન્ટ્સના ડિરેક્ટર મિરા સલાટે આ અત્યંત સફળ કાર્યક્રમ વિશે પોતાનો પ્રતિભાવ આપી અનુભવો વર્ણવતાં કહ્યું હતું કે,‘ચીલાચાલુ ગુજરાતી કાર્યક્રમોથી તદ્દન અલગ પ્રકારનો કાર્યક્રમ આપી યુવાનોને ‘રંગીલુ ગુજરાત’ પ્રદર્શનમાં આકર્ષવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો છે. આવો કાર્યક્રમ જાતિ, કોમ્યુનિટી કે ધર્મના અવરોધો વિના ગુજરાતી સંસ્કૃતિ શીખવા માટેનો એક મંચ બની રહેશે. કાર્યક્રમ દરમિયાન ભારે પવન અને વરસાદના અવરોધ છતાં ઉપસ્થિત લોકોએ છત્રીઓ ખોલીને પણ પરફોર્મન્સીસ માણ્યાં હતા. કાર્યક્રમોને માણીને ઘેર જતી વખતે નાના બાળકોથી વયસ્કો સુધી તમામના ચહેરા પર હાસ્ય અને સંતોષ દેખી શકાયો હતો.’
રેડ લોટસ ઈવેન્ટ્સના ડિરેક્ટર પ્રીતિ વરસાણીએ પણ આ પ્રદર્શન વિશે જણાવ્યું હતું કે, ‘અમે તો ખરેખર એક આંદોલનનો આરંભ કર્યો છે, જેનાથી બધાના હૃદયમાં ગુજરાતી હોવા વિશે ગૌરવ સર્જાયું છે. આ ખરેખર અદ્ભૂત કાર્ય છે. મહાન કંપનોથી મહાન વાતાવરણ સર્જાયું છે. કાર્યક્રમમાં મોટા પાયે ઉપસ્થિત રહી લોકોએ જે સમર્થન આપ્યું છે તેનો અમને અનહદ આનંદ છે. ‘રંગીલુ ગુજરાત’ અમારા માટે એક આંદોલન છે, અમે યુકેમાં તેને સંસ્કૃતિના મૂળિયાં તરીકે મજબૂત બનાવી શકીએ તેવી ચોકસાઈ રાખીશું.’
બ્રેન્ટ કાઉન્સિલ અને રેડ લોટસ ઈવેન્ટ્સ સંસ્થા વચ્ચેની ભાગીદારી અંગે પ્રતિભાવ આપતા બ્રેન્ટના નેતા કાઉન્સિલર મોહમ્મદ બટે જણાવ્યું હતું કે,‘બ્રેન્ટ કાઉન્સિલના નેતા તરીકે મને એ વાતનો ભારે ગર્વ છે કે અમે ગુજરાત પ્રદેશની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિને તેમજ લોકોની અસંખ્ય કળા પ્રતિભાને દર્શાવવામાં સફળ રહ્યા છીએ. પ્રીતિ અને મિરાની આગેવાની હેઠળ રેડ લોટસ ઈવેન્ટ્સ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ એ દર્શાવે છે કે આપણે એકતા અને સંવાદિતાનો સેતુ બાંધવા આપણી કોમ્યુનિટીઓના લાભાર્થે સહયોગ સાધીએ તો ઘણું બધું કરી શકીએ છીએ. આપણી તમામ કોમ્યુનિટીઓ તરફથી આ પ્રકારના કાર્યક્રમો યોજાય તેમ હું ઈચ્છું છું. ‘રંગીલુ ગુજરાત’ની સફળતા આપણી તમામ કોમ્યુનિટીઓને લાભકારી નીવડે તેની ચોકસાઈ માટે રેડ લોટસ તેમાં સહાય આપવા સમર્થ રહેશે.’