લંડનઃ આંતરરાષ્ટ્રીય પ્રશંસકો ધરાવતા, મૂળ શ્રી લંકાના અભિનેતા અને લંડન બાબાના નામે પ્રખ્યાત કોમ્યુનિટી ચેમ્પિયન કાઉન્સિલર ક્રિષ્ણા સુરેશ હેરોના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. કાઉન્સિલર રેખા શાહને ૩૧ મત સાથે ડેપ્યુટી મેયર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમનું નોમિનેશન કાઉન્સિલર કિથ ફેરી અને કાઉન્સિલર મિત્ઝી ગ્રીને કર્યું હતું. તેમની પુત્રી અનેકા શાહ ડેપ્યુટી મેયોરેસ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
શ્રી લંકાના જાફનામાં જન્મેલા અને લંડન બાબાના નામે પ્રખ્યાત અભિનેતા હેરોના નવા મેયર કાઉન્સિલર ક્રિષ્ણા સુરેશ ૨૦૧૫-૧૬ની મુદત માટે ૩૨ વોટથી ચૂંટાઈ આવ્યા હતા. કાઉન્સિલરો ગ્રેહામ હેન્સન અને બેરી કેન્ડલરે વિદાય લેતા મેયર અજય મારુના સ્થાને કાઉન્સિલર સુરેશને નોમિનેટ કર્યા હતા. તેમણે પ્રવચનમાં કહ્યું હતું કે હેરોના લોકોની સેવા કરવાની મારી ઈચ્છા ફળીભૂત થઈ છે. મારા અને મારા પરિવાર માટે આજનો દિવસ ગૌરવવંતો છે.
વિદાય લેતા મેયર અજય મારુએ સર્વેનો આભાર માન્યો હતો. મારુ અને તેમના પત્ની દિના મારુને મેયર અને મેયોરેસના મેડેલિયન્સ અપાયા હતા.
કન્ઝર્વેટિવ કાઉન્સિલર ટોમ આદિત્ય પુનઃ ચૂંટાયા
મૂળ કેરાલાના કન્ઝર્વેટિવ કાઉન્સિલર ટોમ આદિત્ય સાઉથ ગ્લોસ્ટરશાયરમાં બ્રેડલી સ્ટોક બેઠક પરથી પુનઃ ચૂંટાયા છે. બ્રિસ્ટલ નજીક રહેતા સામાજિક કર્મશીલ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ટોમ આદિત્ય એવોન એન્ડ સમરસેટ પોલીસના એડવાઈઝરી બોર્ડમાં વાઈસ ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ લંડન મેટ્રોપોલીટન રીજિયનની બહાર કાઉન્સિલર તરીકે ચૂંટાયેલી કેરાલા મૂળની પ્રથમ વ્યક્તિ હોવા ઉપરાંત, કન્ઝર્વેટિવ કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા પ્રથમ સાઉથ ઈન્ડિયન પણ છે. તેઓ સાઉથ ગ્લોસ્ટરશાયર કાઉન્ટીમાં પ્રથમ વખત ચૂંટાયેલા ભારતીય અને એશિયન છે.