લંડનઃ ખાનગી અને NHS કન્સલ્ટેશન દરમિયાન એક્ઝામિનેશન કોચ પર મહિલા દર્દીઓના સ્તન સાથે છેડછાડ કરવા સહિત અનેક દુર્વ્યવહાર કરનારા ૫૩ વર્ષીય મૂળ ભારતીય કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ મહેશ પટવર્ધનને વુલીચ ક્રાઉન કોર્ટે સેક્સ્યુઅલ હુમલાના ચાર આરોપમાં આઠ વર્ષની સજા ફરમાવી છે. આ ઉપરાંત, કામગીરી ન કરવા છતાં ખાનગી મેડિકલ વીમાકંપનીઓ પાસેથી ખોટાં બિલ વસૂલવાની છેતરપિંડીના બે ગુનામાં પણ તે દોષિત ઠર્યો હતો.
લાઉટન, એસેક્સના નિવાસી મહેશ પટવર્ધન સામે જુલાઈ ૨૦૦૮થી સપ્ટેમ્બર ૨૦૧૨ના ગાળામાં જાતીય હુમલાઓ વિશે ટ્રાયલ ચલાવાઈ હતી. તે સાઉથ ઈસ્ટ લંડનના ચાર્લ્ટનમાં ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં NHS ના દર્દીઓ અને બકહર્સ્ટ હિલ, એસેક્સમાં બ્લેકહીથ હોસ્પિટલ અને ધ હોલીમાં ખાનગી દર્દીઓને તપાસતો હતો. પટવર્ધનના એનેસ્થેસિસ્ટ પત્ની, પુત્ર અને પુત્રીની હાજરીમાં કોર્ટે સજા સંભળાવી હતી.
જનરલ મેડિકલ કાઉન્સિલે ઓક્ટોબર ૨૦૧૪માં તેની નોંધણી રજિસ્ટરમાંથી રદ કરી હતી. આ કેસને બહોળી પ્રસિદ્ધિ મળ્યા પછી વધુ વિક્ટિમ્સ ફરિયાદ કરવા આગળ આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. નવેમ્બર ૨૦૧૪માં તે ભારતથી વિમાનમાં લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેની ધરપકડ કરાઈ હતી.
જજ એલિસ રોબિન્સને તેને કહ્યું હતું કે,‘તારા પોતાના જાતીય ઉશ્કેરાટ અને સંતોષ ખાતર તદ્દન અનાવશ્યક સ્તન તપાસો આચરી હતી. કેટલાક પેશન્ટને ગંભીર માનસિક નુકસાન પહોંચ્યું છે.’ જજે સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં આજીવન નોંધણી કરાવવા આદેશ કર્યો હતો. તેને બાળકો અને અસુરક્ષિત પુખ્ત લોકો સાથે કામ કરવા પ્રતિબંધિત ઠરાવાયો છે.