લંડનઃ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાઝી યુ-બોટ દ્વારા એટલાન્ટિક મહાસાગરમાં ડૂબાડી દેવાયેલા બ્રિટિશ જહાજ એસએસ ગેરસપ્પામાંથી ચાંદીની પાટો બહાર કાઢવાની કામગીરીમાં સરકારને ‘સોના કરતાં ઘડામણ મોંઘી’ જેવી ભારે ખોટ ગઈ છે. સરકારને જહાજમાંથી £૯.૬ મિલિયનના મૂલ્યની ચાંદી મળી હતી, પરંતુ વ્હાઈટ હોલની અક્ષમ્ય ભૂલના કારણે નિષ્ફળ બિડરને £૧૫ મિલિયન ચુકવવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના કર્ણાટકમાં આવેલા વિશાળ ગેરસપ્પા ધોધ પરથી આ જહાજનું નામ SS Gairsoppa પાડવામાં આવ્યું હતું.
ભારતથી ૧૧૦ ટનનો ચાંદી બુલિયનનો વિશાળ જથ્થો લઈને આવતું જહાજ ૧૯૪૧ની ૧૭ ફેબ્રુઆરીએ નાઝી યુ-બોટની ટોરપિડોનો શિકાર બન્યું હતું. લેબર સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ૨૦૦૯માં જહાજના ભંગારમાંથી ચાંદી બહાર કાઢવાનો કોન્ટ્રાક્ટ અમેરિકાની ઓડેસી મરિન એક્સપ્લોરેશનને સુપરત કર્યો હતો. કંપનીએ ૨૦૧૧માં એટલાન્ટિક મહાસાગરમાં જહાજને શોધી કાઢ્યું હતું અને ઓડિસીએ ૨૦૧૨માં રિકવરી ઓપરેશન પછી ૧૧૦ ટનથી વધુ અથવા ચાંદીની ૨,૭૯૨ પાટ મળ્યાનો દાવો કર્યો હતો. શિપમેન્ટ મળવાનું હતું તેના ૭૩ વર્ષ પછી રોયલ મિન્ટને ગયા વર્ષે સિક્કા બનાવવા આ ચાંદી અપાઈ હતી.
ટ્રાન્સપોર્ટ વિભાગને £૪૮ મિલિયનની ચાંદી મળવાની ધારણા હતી. ઓડિસીને કોન્ટ્રાક્ટ મુજબ રિકવર જથ્થાના ૮૦ ટકા અને ટ્રેઝરીને બાકીના ૨૦ ટકા એટલે કે £૯.૬ મિલિયન મળવાના હતા. પરંતુ ખામીયુક્ત ટેન્ડર પ્રકિયાના કારણે નિષ્ફળ બિડર બ્લૂ વોટર દ્વારા કાનૂની દાવો કરાયો હતો. લાંબા કાનૂની યુદ્ધ પછી કોર્ટ બહાર સમાધાનના પગલે સરકારે વેસ્ટ સસેક્સની બ્લૂ વોટર રિકવરીઝ કંપનીને £૧૫ મિલિયન ચુકવવા પડશે.