રાવલપિંડી: પનામા પેપર લીકકાંડના ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરેલાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ લંડનથી પાકિસ્તાન લેન્ડ થતાંની સાથે જ તેમની ધરપકડ કરાઈ હતી. લંડનથી લાહોર આવી પહોંચેલા નવાઝ શરીફ અને મરિયમની લાહોરના અલ્લામા ઇકબાલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે પહોંચતા જ ધરપકડ કરાઇ હતી. લાહોર એરપોર્ટ ખાતે હાજર નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોની ટીમે વિમાનમાંથી ઉતરતાની સાથે નવાઝ શરીફ અને મરિયમને કસ્ટડીમાં લીધાં હતા. બંનેએ રાવલપિંડીની અદિયાલા જેલના બી ગ્રેડના સેલમાં ફાનસનાં અજવાળે પહેલી રાત વિતાવી હતી. નવાઝ શરીફને ૧૦ વર્ષ અને મરિયમને ૭ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ૧૩મીએ રાત્રે લંડનથી લાહોર પહોંચેલા નવાઝ શરીફ અને મરિયમને વિશેષ હેલિકોપ્ટર દ્વારા ઇસ્લામાબાદ લવાયાં હતાં. ત્યાંથી બુલેટપ્રુફ ગાડીઓમાં બંનેને રાવલપિંડીની જેલમાં લઈ જવાયાં હતાં. પાકિસ્તાનની જેલોમાં એ અને બી ક્લાસના કેદીઓ પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી નથી. પાકિસ્તાનની જેલના નિયમો અનુસાર સામાજિક, શૈક્ષણિક અને જીવનસ્તર ઊંચું હોય તેવા કેદીઓને એ અને બી શ્રેણીના સેલમાં રખાય છે. કેટલાક રીઢા અપરાધીઓને પણ આ પ્રકારના સેલમાં રખાય છે. નવાઝ શરીફને બી ગ્રેડના સેલમાં એક પલંગ, એક ખુરશી, એક ટી-પોટ, એક બારી અને એક ફાનસ આપવામાં આવ્યાં હતાં, તેથી પિતા-પુત્રીને આખી રાત ફાનસનાં અજવાળામાં વિતાવવાનો વારો આવ્યો હતો.
એસી અને ટીવી સ્વખર્ચે
એ અને બી શ્રેણીના કેદીઓને તેમના સેલમાં પોતાનાં ખર્ચે સુવિધાઓ મળે છે. જો કેદીને એસી, ટેલિવિઝનની સુવિધા જોઈતી હોય તો પોતાનાં ખર્ચે પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરી શકે છે, જોકે તે માટે જેલવિભાગની પરવાનગી લેવી જરૂરી છે. એ કેટેગરીના કેદીઓને બી કેટેગરીના કેદીઓ કરતાં વધુ સુવિધા અપાય છે. તેમને ખોરાકના પણ વધુ વિકલ્પ અપાય છે.
હેલિકોપ્ટરમાં ફર્યા તેમાં જેલ!
પાકિસ્તાનનાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ એનએબીના પ્રવક્તા નાવઝિશ અસીમે જણાવ્યું હતું કે, એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર તૈયાર રખાયું છે. શરીફ અને મરિયમને તેના દ્વારા ઇસ્લામાબાદ લઇ જવાશે. ત્યાં તેમને એનએબીની અદાલતમાં રજૂ કર્યા બાદ રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલી અપાશે. ગૃહમંત્રાલયે એ જ હેલિકોપ્ટર આપ્યું છે જે વડા પ્રધાન માટે રિઝર્વ રખાય છે, તેનો અર્થ એ થયો કે નવાઝ શરીફ વડા પ્રધાન તરીકે જે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હતા તેમાં જ જેલયાત્રા કરી.
શરીફ ઇમોશનલ
પાકિસ્તાન પરત ફરતાં પહેલાં નવાઝ શરીફની પુત્રી મરિયમ દ્વારા માતા કુલસુમની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરાઈ હતી. આ તસવીર એક પાકિસ્તાની પત્રકાર દ્વારા પોસ્ટ કરાઈ હતી, જેને મરિયમે રિટ્વિટ કરી હતી. તસવીરમાં નવાઝ શરીફ બીમાર પત્નીનાં માથા પર હાથ મૂકી અલવિદા કહેતા જોઈ શકાય છે, જ્યારે સાથે ઊભેલી મરિયમ ભાંગી પડેલી જોઈ શકાય છે. આ તસવીર દ્વારા નવાઝ શરીફે પાકિસ્તાનીઓનાં દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે! શરીફની પત્ની કુલસુમ નવાઝ કેન્સરથી પીડાય છે અને લંડનમાં સારવાર હેઠળ છે. પાકિસ્તાની પત્રકારે આ તસવીરમાં લખ્યું હતું કે, આ તસવીર ભવિષ્યમાં ઘણા પાકિસ્તાનીઓને ખળભળાવી દેશે.
પાક.માં વિસ્ફોટ
શરીફની ધરપકડ પહેલાં પાકિસ્તાનમાં ૧૩મીએ બે અલગ અલગ ચૂંટણી રેલીમાં વિસ્ફોટ થયા હતા, તેમાં બલુચિસ્તાન અવામી પાર્ટી (બીએપી)ના વડા સિરાજ રાયસાની સહિત ૯૦ લોકો માર્યા ગયાં હતાં તો ૧૮૦થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. મીડિયા અહેવાલ મુજબ પ્રથમ વિસ્ફોટ બલૂચિસ્તાનની મસ્તુંગ ખીણમાં બીએપીની ચૂંટણી રેલીમાં થયો હતો, તેમાં પક્ષપ્રમુખ નવાબજાદા સિરાજ રાયસાની સહિત ૮૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં. વિસ્ફોટમાં ૧૦૦થી વધુ લોકો ઘવાયાં હતાં. સિરાજ બલુચિસ્તાનના પૂર્વ મુખ્ય પ્રધાન નવાબ અસલમ રાયસાનીના ભાઈ છે. ચૂંટણી પૂર્વેની હિંસામાં આ રીતે પાકિસ્તાનમાં બીજા ચૂંટણી ઉમેદાવારનું મૃત્યુ થયું હતું. ૨૫ જુલાઈએ પાકિસ્તાનમાં મતદાન થાય તે પહેલાં ઉમેદવારો જ આત્મઘાતી હુમલાનાં નિશાન બનવા લાગ્યા છે. બીજો વિસ્ફોટ પખ્તુખ્વા પ્રાંતમાં પૂર્વ મુખ્ય પ્રધાન અકરમ ખાન દુરાનીની ચૂંટણીસભામાં થયો હતો. તે ઘટનામાં ચાર મૃત્યુ થયાં હતાં અને ૩૨ને ઈજા પહોંચી હતી. પોલીસનું માનવું છે કે વિસ્ફોટ બન્નુ શહેરમાંથી રિમોટની મદદથી કરવામાં આવ્યા હતા.