‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર, સંભવતઃ ૧૬થી ૧૮ ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ હાજરી આપે તેવી શક્યતા છે. બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયમાં સૂચિત આયોજન માટે બહુ જ ઉત્સુક્તા પ્રવર્તે છે કેમ કે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ પ્રથમ એવો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે જેમાં તેમને ભારત સરકારના પ્રધાન સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાનો અવસર સાંપડશે.
આ આયોજનમાં સ્થાનિક અને ભારતીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, વ્યાવસાયિકો, બિઝનેસમેન સહિત આશરે એકાદ હજાર લોકો ભાગ લે તેવી ધારણા છે. વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે. આ કાર્યક્રમ લંડનમાં પ્રથમ વખત યોજાઇ રહ્યો છે.
ભારતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતા પ્રવાસી ભારતીય દિવસ ઉપરાંત વિદેશમાં રિજનલ પ્રવાસી ભારતીય દિવસ યોજાય છે. જે વિદેશવાસી ભારતીય પ્રવાસી ભારતીય દિવસમાં હાજરી આપવા જઇ શકતા નથી તેઓ આ રિજનલ પ્રવાસી ભારતીય દિવસમાં હાજરી આપે છે. અત્યાર સુધીમાં ન્યૂ યોર્ક, સિંગાપોર, ધ હેગ, ડરબન, ટોરોન્ટો, મોરેશિયસ અને સિડનીમાં રિજનલ પ્રવાસી ભારતીય દિવસ યોજાઇ ચૂક્યા છે.