લંડનઃ લંડનની સંખ્યાબંધ કાઉન્સિલો નાદારીના આરે પહોંચી ગઇ છે. લંડન કાઉન્સિલ્સના જણાવ્યા અનુસાર રાજધાનીમાં આવેલા બરોએ આ વર્ષે હાઉસિંગ અને હોમલેસ પાછળ 600 મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમ ખર્ચી નાખી છે. જેના કારણે તેમના બજેટ ખોરવાઇ ગયાં છે. એકલા હોમલેસ પાછળ જ 250 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હોવાનો અંદાજ છે.
ક્રોસ પાર્ટી ગ્રુપે ચેતવણી આપી છે કે હાઉસિંગ રેવન્યૂ એકાઉન્ટ્સ પરનું દબાણ અત્યંત ગંભીર બન્યું છે. આગામી 4 વર્ષમાં બરોએ સુપરવિઝન, મેનેજમેન્ટ, મેન્ટેનન્સ અને રિપેરિંગમાં 170 મિલિયન પાઉન્ડનો કાપ મૂકવો પડશે. 3 બરોની સ્થિતિ તો એવી છે કે તેમની એચઆરએ અનામતો ખાલી થવા આવી છે. આ એક અણધારી પરિસ્થિતિ છે. લંડન કાઉન્સિલ્સે ચેતવણી આપી છે કે આગામી વર્ષ સુધીમાં બજેટ ખાધ 700 મિલિયન પાઉન્ડને પાર કરી જશે. સંખ્યાબંધ બરો નાદારી તરફ આગળ વધી રહ્યાં છે. લંડન કાઉન્સિલ્સના અધ્યક્ષ ક્લેર હોલેન્ડે જણાવ્યું છે કે વરવી વાસ્તવિકતા તો એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભંડોળની ફાળવણીમાં થયેલો ઘટાડો અને વધી રહેલા ખર્ચના કારણે બરોના બજેટ ખોરવાઇ રહ્યાં છે.