લંડનઃ કોરોનાની વિપરિત અસરોથી લંડનના બાળકો પણ વંચિત રહી શક્યાં નથી. પરીક્ષાઓમાં સારા પરિણામો છતાં તેમના અભ્યાસને નુકસાનકારક અસરો થઇ હતી તેવી ચેતવણી નિષ્ણાત દ્વારા અપાઇ છે. એક્સ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર લી ઇલિયટ મેજરે જણાવ્યું હતું કે, સેકન્ડરી સ્કૂલનો પ્રારંભ કરી રહેલા ઘણા વિદ્યાર્થી લખી કે વાંચી શક્તાં નથી. પોતાની આ અણઆવડતને છૂપાવવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ શાળામાં જવાનું પસંદ કરતાં નથી.
કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ રહેતાં વિદ્યાર્થીઓના અભ્યાસને વ્યાપક નુકસાન થયું હતું. તેની અસરો 2030 સુધી વર્તાય તેવી સંભાવના છે. અભ્યાસમાં નુકસાનના કારણે જીસીએસઇના પરિણામો પર અસર થઇ શકે છે.
પ્રોફેસર મેજર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીનો સામનો કરનારા બાળકોના જીસીએસઇ પરિણામોમાં છેલ્લા કેટલાક દાયકાઓનો સૌથી મોટો ઘટાડો થયો છે અને તેના કારણે સામાજિક-આર્થિક તફાવતમાં પણ વધારો થયો છે.
પ્રોફેસર મેજર કહે છે કે દેશમાં જીસીએસઇના પરિણામોમાં લંડન આગળ રહે છે પરંતુ તેનો અર્થ એ નથી કે કોરોના મહામારીના કારણે એક આખી પેઢીનું શૈક્ષણિક ભાવિ બદતર બની ગયું છે.