અમદાવાદઃ લંડનની એમજી મોટર્સ કંપની (મોરીસ ગેરેજિસ-એમજી)એ હાલોલમાં તેના પ્લાન્ટમાં પહેલી મેએ એસઓપી સેરેમની યોજી હતી અને ઉત્પાદન શરૂ કરાયું હતું. પહેલાંની ઇવેન્ટ યોજીને તેની કોમર્શિયલ ઉત્પાદનની શરૂઆત કરાઈ હતી. આમ ‘મેડ ઇન ગુજરાત’ ટેગ વાળી કાર દેશ-વિદેશના બજારમાં ઉપલબ્ધ થશે. ગુજરાતમાં ટાટા નેનોના આગમન બાદ ફોર્ડ મોટર્સ, હોન્ડા મોટરસાઇકલ અને મારુતિ સુઝુકીએ કાર અને સ્કૂટરના પ્લાન્ટ ગુજરાતમાં શરૂ કરતાં ગુજરાતે વિશ્વભરમાં ઓટો મેન્યુફેક્ચરિંગ મેપ પર સ્થાન મેળવ્યું હતું. જોકે તાજેતરમાં હાલોલમાં જનરલ મોટર્સના સ્થાને તે જ જગ્યા પર સ્થપાયેલા એમજી મોટર્સના નવા પ્લાન્ટમાં તેની એસયુવી કાર હેસ્ટરનું ટેસ્ટિંગ છેલ્લા કેટલાક મહિનાથી ચાલતું હતું. એપ્રિલના છેલ્લા પખવાડિયામાં એમજીના લોગો સાથેની એસયુવી હાઇ વે પર ટેસ્ટિંગ માટે દોડતી હતી. ટેસ્ટિંગ બાદ કંપનીએ કાર વેચાણમાં મૂકવાનું ઉત્પાદન શરૂ કર્યું હતું. એસઓપીમાં શાંઘાઈ મોટર્સ, એસજીએમ ડબ્લ્યુના ટોપ મેનેજમેન્ટ અને ચાઇનીઝ ડેલિગેશને પણ આમ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે એમજી મોટર્સને ચાઇનીઝ કાર ઉત્પાદક એસએઆઇસીએ હસ્ત કરી હતી. હાલોલ સ્થિત એમજી મોટર્સના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ તેના ડીલર નેટવર્ક સ્થાપવાની કવાયત પણ હાથ ધરી દીધી છે.