લંડનઃ મેયર સાદિક ખાને લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટ પર ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવાની યોજના જાહેર કરી છે. લંડનની ખરીદી માટેની જાણીતી સડકને વાહનોથી મુક્ત કરાવવા સાદિક ખાન લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઓક્સફર્ડ સ્ટ્રીટને ફરી એકવાર વિશ્વનું અગ્રણી છૂટક વેચાણ કેન્દ્ર બનાવવા માટે આ પગલું લેવું આવશ્યક હતું. તેમણે 2017માં આ યોજના રજૂ કરી હતી. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનર આ યોજનાને ટૂંકસમયમાં મંજૂરી આપશે.
સાદિક ખાનની આ યોજનાના પગલે ઓક્સફર્ડ સ્ટ્રીટ પર બસ અને કાર સહિતના વાહનો પર પ્રતિબંધ લાદી દેવાશે. કોરોના મહામારીમાં આ સ્ટ્રીટના મુલાકાતીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો પરંતુ હવે રોજના પાંચ લાખ લોકો ઓક્સફર્ડ સ્ટ્રીટની મુલાકાતે આવે છે.