લંડનઃ યુકેની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતમાં પંજાબ નેશનલ બેન્કનું હજારો કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવીને બ્રિટન ભાગી આવેલા નીરવ મોદીની જામીન અરજી પાંચમી વાર નકારી કાઢી હતી. નીરવ મોદીએ લાંબા સમયથી જેલમાં હોવાનું કારણ આપીને જામીનની માગ કરી હતી.
ભારતની તપાસ એજન્સી ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર નીરવ મોદીએ વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 16મી એપ્રિલે પાંચમી વાર જામીન અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેની જામીન અરજી નકારી કાઢી છે અને હવે તેને અટકાયત હેઠળ જેલમાં જ રહેવું પડશે.
ટૂંકી સુનાવણી બાદ જજે જણાવ્યું હતું કે, નીરવ મોદીના જામીન વિરુદ્ધ કરાયેલી દલીલો આધારભૂત છે. જામીનની અરજી કરનાર નીરવ મોદી અદાલતમાં હાજરી ન આપે અથવા તો સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કરે તેનું જોખમ રહેલું છે. આ કેસમાં ફ્રોડના ગંભીર આરોપ મૂકાયા છે અને તેમાં જામીન આપી શકાય નહીં તેથી અરજી નકારી કાઢવામાં આવે છે.