લંડનઃ બ્રિટનની સૌથી મોટી ઓનલાઈન પ્રોપર્ટી વેબસાઈટ Rightmoveના જણાવ્યા મુજબ રાજધાની લંડનમાં પ્રોપર્ટીના ભાડાં આંખમાં પાણી લાવી દે તેવી વિક્રમી ગતિએ ઉંચે જઈ રહ્યાં છે. લંડનમાં સરેરાશ માસિક ભાડું 2,257 પાઉન્ડ આપવું પડે છે. લંડનની બહાર પણ માસિક1,126 પાઉન્ડ ભાડાંનો વિક્રમ થયો છે જે ગત ત્રિમાસિક ગાળાની સરખામણીએ 3.5 ટકા અને ગત વર્ષની સરખામણીએ 11.8 ટકાનો વધારો સૂચવે છે. આ 3.5 ટકાનો વધારો ગત 10 વર્ષમાં બીજા ક્રમનો સૌથી વધુ ક્વાર્ટર્લી વધારો છે.
બે વર્ષ અગાઉ મહામારીની શરૂઆત થયા પછી સરેરાશ ભાડાંમાં 19 ટકાનો વધારો જોવાં મળ્યો છે. આનાથી વિપરીત આટલો ઉછાળો આવવા માટે મહામારી પહેલાના આઠ વર્ષનો ગાળો લાગ્યો હતો. Rightmoveના કહેવા મુજબ આ વર્ષની શરૂઆતમાં 5 ટકા ભાડાવધારાની આગાહી હતી તેનાથી વિપરીત વર્ષના અંત સુધીમાં સરેરાશ ભાડું 8 ટકા જેટલું વધી જવાની ધારણા છે.ગત બે વર્ષમાં ભાડૂતોની સંખ્યા વધવાથી ભાડાંની પ્રોપર્ટી- ઘરની માગમાં જબ્બર ઉછાળો આવ્યો છે પરંતુ, ભાડે આપવાની જ્ગ્યાઓ પ્રમાણમાં વધી નથી. આના પરિણામે, ભાડાં વધી ગયાં છે. ગયા વર્ષે ભાડૂતોનાં સ્થળાંતરનું પ્રમાણ વધ્યું છે અને આ વર્ષે પણ પ્રવાહમાં કોઈ બદલાવ આવ્યો નથી.
લંડનના રેન્ટલ માર્કેટમાં ભાડૂતોની પૂછપરછોમાં સતત વધારો જોવા મળ્યો છે તેની સાથે જ સંખ્યાબંધ ભાડૂતો પોતાના ભાડાંકરાર રીન્યુ કરાવી રહ્યા છે. ભાડાં વધી રહ્યાં હોવાથી જે લોકોએ મહામારીના ગાળામાં ઓછાં ભાડાંએ પ્રોપર્ટી મેળવી હતી તેના પર શક્ય હોય ત્યાં સુધી કબજો જાળવી રાખવા માગે છે. આમ ભાડાંની પ્રોપર્ટીનું બજાર ભારે સ્પર્ધાત્મક બની ગયું છે. આટલી હરીફાઈ હોવાં છતાં, ભાડે આપવાના ઘરની સંખ્યાની તંગી છે. જોકે, સુધારો થઈ રહ્યો હોવાં છતાં, ગત વર્ષની સરખામણીએ ભાડે આપવા લાયક પ્રોપર્ટી 26 ટકા જેટલી ઓછી છે.