લંડનમાં રહેતી મહિલાને વળતર પેટે વીમા કંપની રૂ. ૨.૪૨ કરોડ ચૂકવેઃ હાઈ કોર્ટ

Wednesday 06th November 2019 06:06 EST
 
 

સુરતઃ ૨૪ વર્ષ પહેલાં સુરતમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકની લંડનમાં રહેતી પત્ની નિહારિકા દેસાઈને વીમા કંપનીએ રૂ. ૨.૪૨ કરોડ ચૂકવી આપવાના રહેશે તેવો આદેશ તાજેતરમાં હાઈ કોર્ટે કર્યો છે. સુરતની ધ મોટર એક્સિડેન્ટ્સ ક્લેઇમ ટ્રિબ્યૂનલના આદેશને યથાવત્ રાખતાં ગુજરાત હાઇ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

૨૪ વર્ષ પહેલાંનો કેસ

વર્ષ ૧૯૯૫માં નિહારિકાના પતિ નરેશ દેસાઈ કારમાં કોસંબાથી સુરત જઈ રહ્યા હતા. તે સમયે, ટ્રક અને તેમની કારની ટક્કરમાં ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નરેશ દેસાઈને ગંભીર ઈજા થઈ હતી અને બે દિવસની સારવાર બાદ તેમનું મૃત્યું થયું હતું. આ ઘટના પછી નિહારિકાએ ટ્રકમાલિક અને ટ્રકને થર્ડ પાર્ટીનો વીમો આપતી વીમા કંપની સામે સુરતના ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી. આ અરજીમાં નિહારિકાએ તેના પતિની આવકના આધારે રૂ. ૧.૩૦ કરોડના વળતરનો દાવો કર્યો હતો. ટ્રિબ્યૂનલમાં નિહારિકાના વકીલની રજૂઆત હતી કે, લંડનમાં નરેશનો પોતાનો બિઝનેસ હતો અને તેની આવક બ્રિટિશ પાઉન્ડમાં હતી.
ટ્રિબ્યૂનલ સમક્ષ વીમા કંપનીની રજૂઆત હતી કે, વર્ષ ૧૯૯૫-૯૬માં પાઉન્ડ અને રૂપિયા વચ્ચેનો જે વિનિમય દર હતો તેને ખોટી રીતે મૂલવવામાં આવ્યો છે. આ સમયે, એક પાઉન્ડ દીઠ રૂ. ૫૪.૨૬ નહીં પરંતુ રૂ. ૫૨.૩૫ હતો. આ ધ્યાનમાં લઈને ઓરિએન્ટલ વીમા કંપની મૃતકની પત્નીને વળતર પેટે ચૂકવે. વર્ષ ૨૦૧૭માં ટ્રિબ્યૂનલે આદેશ કર્યો હતો કે, વીમા કંપની મૃતકની પત્નીને વળતર પેટે નવ ટકા વ્યાજ સાથે રૂ. ૭૯.૦૩ લાખ ચૂકવે. ટ્રિબ્યૂનલના આદેશ સામે વીમા કંપનીએ વળતર ઘટાડવા હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણીમાં હાઇ કોર્ટમાં વીમા કંપનીની રજૂઆત હતી કે, મૃતકની પત્નીને વળતર પેટે રૂ. ૪૦ લાખ ચૂકવવાના થાય છે. તે વખતે નિહારિકાના વકીલે અરજીનો વિરોધ દર્શાવ્યો હતો. કેસની સુનાવણી અંતે હાઈ કોર્ટમાં થઈ હતી અને હાઈ કોર્ટે નિહારિકાને મળવાપાત્ર રકમ રૂ. ૨.૪૨ કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter