લંડનઃ તાજેતરમાં યોજાયેલી લંડનના મેયરની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન મેયર સાદિક ખાન ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ચૂંટાઇ આવ્યા હતા. તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી અને કન્ઝર્વેટિવ ઉમેદવાર સુસાન હોલને 2,76,000 કરતાં વધુ મતથી પરાજિત કર્યાં હતાં. ચૂંટણીમાં 2.4 મિલિયન કરતાં વધુ મતદાતાએ એટલે કે 42.8 ટકાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પરિણામ અનુસાર સાદિક ખાનને 10,88,225 અને કન્ઝર્વેટિવ ઉમેદવાર સુસાન હોલને 8,12,397 મત પ્રાપ્ત થયાં હતાં.
મેયરપદે વિજેતા જાહેર થયા પછી સાદિક ખાને ઇસ્ટ લંડનના સિટી હોલ ખાતે જણાવ્યું હતું કે, હું જે શહેરને ખુબ પ્રેમ કરું છું તેની સેવા કરવી એ મારા માટે મોટા સન્માનની બાબત છે. છેલ્લા કેટલાક મહિના ઘણા મુશ્કેલ રહ્યાં પરંતુ હું મારા વિજય માટે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. અમારી સામે ઘણો નકારાત્મક પ્રચાર કરાયો પરંતુ અમે તેને જડબાતોડ જવાબ આપી શક્યાં છીએ. આજનો દિવસ કોઇ ઐતિહાસિક નથી પરંતુ આપણા ભવિષ્યને સાકાર કરનારો દિવસ છે.
મેયરની ચૂંટણીના અન્ય પરિણામોમાં ઇસ્ટ મિડલેન્ડ્સમાં લેબર પાર્ટીના ક્લેર વોર્ડે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કન્ઝર્વેટિવ ઉમેદવાર બેન બ્રાડલીને પરાજિત કર્યાં હતાં. ગ્રેટર માન્ચેસ્ટરમાં લેબર પાર્ટીના એન્ડી બર્નહામે કન્ઝર્વેટિવ લૌરા ઇવાન્સને પછડાટ આપી હતી. લીવરપુલ સિટી રિજિયનમાં પણ લેબર પાર્ટીએ દબદબો યથાવત રાખતાં સ્ટીવ રોધરરેમ કન્ઝર્વેટિવ જેડ માર્સડેનને પરાજિત કરી મેયર બન્યાં હતાં. નોર્થ ઇસ્ટના નવા મેયર તરીકે લેબર પાર્ટીના કિમ મેકગિનિસે અપક્ષ ઉમેદવાર જેમી ડ્રિસકોલને પછડાટ આપી હતી જ્યારે કન્ઝર્વેટિવ ગાય રેનર થોમ્પસન ત્રીજા સ્થાન રહ્યાં હતાં. સેલફોર્ડમાં પણ લેબર પાર્ટીના પોલ ડેન્નેટે કન્ઝર્વેટિલ જિલિયન કોલિનસનને પરાજિત કરી મેયરની ચૂંટણી જીતી લીધી હતી. સાઉથ યોર્કશાયરમાં લેબર ઉમેદવાર ઓલિવર કોપ્પાર્ડે કન્ઝર્વેટિવ નિક એલનને હરાવ્યા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીને આશ્વાસન પુરતો ટીસ વેલીમાં વિજય પ્રાપ્ત થયો હતો. અહીં કન્ઝર્વેટિવ બેન હોઉચેને લેબર ઉમેદવાર ક્રિસ મેકઇવાનને પરાજિત કર્યાં હતાં. વેસ્ટ મિડલેન્ડ્સમાં લેબર ઉમેદવાર રિચર્ડ પાર્કરે કન્ઝર્વેટિવ એન્ડી સ્ટ્રીટને પરાસ્ત કરી મેયરની ચૂંટણી જીતી લીધી હતી. વેસ્ટ યોર્ક શાયરમાં લેબર ઉમેદવાર ટ્રેસી બાર્બિને કન્ઝર્વેટિવ આર્નોલ્ડ ક્રેવનને પછડાટ આપી હતી જ્યારે યોર્ક એન્ડ નોર્થ યોર્કશાયરમાં લેબર પાર્ટીના ઉમેદવાર ડેવિડ સ્કેઇથે કન્ઝર્વેટિવ કિન ડન્કનને પરાસ્ત કર્યાં હતાં.
મેયરપદની ચૂંટણીના પરિણામ
લંડન – લેબર પાર્ટીના સાદિક ખાન વિજેતા
- લેબર પાર્ટી – સાદિક ખાન – 10,88,225 મત
- કન્ઝર્વેટિવ – સુસાન હોલ – 8,12,397 મત
ઇસ્ટ મિડલેન્ડ્સ – લેબર પાર્ટીના ક્લેર વોર્ડ વિજેતા
- લેબર પાર્ટી – ક્લેર વોર્ડ – 1,81,040 મત
- કન્ઝર્વેટિવ પાર્ટી – બેન બ્રાડલી – 1,29,332 મત
ગ્રેટર માન્ચેસ્ટર – લેબર પાર્ટીના એન્ડી બર્નહામ વિજેતા
- લેબર પાર્ટી – એન્ડી બર્નહામ – 4,20,749 મત
- કન્ઝર્વેટિવ પાર્ટી – લૌરા ઇવાન્સ – 68,946 મત
લીવરપુલ સિટી રિજિયન – લેબર પાર્ટીના સ્ટીવ રોથરરેમ વિજેતા
- લેબર પાર્ટી – સ્ટીવ રોથરરેમ – 1,83,932 મત
- કન્ઝર્વેટિવ પાર્ટી – જેડ માર્સડેન – 27,708 મત
નોર્થ ઇસ્ટ – લેબર પાર્ટીના કિમ મેકગિનિસ વિજેતા
- લેબર પાર્ટી – કિમ મેકગિનિસ – 1,85,051 મત
- અપક્ષ – જેમી ડ્રિસકોલ – 1,26,652 મત
સાલફોર્ડ – લેબર પાર્ટીના પોલ ડેન્નેટ વિજેતા
- લેબર પાર્ટી – પોલ ડેન્નેટ – 30,753 મત
- કન્ઝર્વેટિવ – જિલિયન કોલિનસન – 10,930 મત
સાઉથ યોર્કશાયર – લેબર પાર્ટીના ઓલિવર કોપ્પાર્ડ વિજેતા
- લેબર પાર્ટી – ઓલિવર કોપ્પાર્ડ – 1,38,611 મત
- કન્ઝર્વેટિવ – નિક એલન – 44,945 મત
ટીસ વેલી – કન્ઝર્વેટિવ પાર્ટીના બેન હાઉચેન વિજેતા
- કન્ઝર્વેટિવ – બેન હાઉચેન – 81,930 મત
- લેબર પાર્ટી – ક્રિસ મેકઇવાન – 63,141 મત
વેસ્ટ મિડલેન્ડ્સ – લેબર પાર્ટીના રિચર્ડ પાર્કર વિજેતા
- લેબર પાર્ટી – રિચર્ડ પાર્કર – 2,25,590 મત
- કન્ઝર્વેટિવ – એન્ડી સ્ટ્રીટ – 2,24,082 મત
વેસ્ટ યોર્કશાયર – લેબર પાર્ટીના ટ્રેસી બ્રાબિન વિજેતા
- લેબર પાર્ટી – ટ્રેસી બ્રાબિન – 2,75,430 મત
- કન્ઝર્વેટિવ – આર્નોલ્ડ ક્રાવેન – 82,757 મત
યોર્ક એન્ડ નોર્થ યોર્કશાયર – લેબર પાર્ટીના ડેવિડ સ્કેઇથ વિજેતા
- લેબર પાર્ટી – ડેવિડ સ્કેઇથ – 66,761 મત
- કન્ઝર્વેટિવ – કિન ડન્કન – 51,967