લંડનઃ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. હાઇ કમિશન ખાતે 500 કરતાં વધુ ભારતીય મૂળના લોકો એકઠાં થયાં હતાં અને તિરંગો ફરકાવીને સલામી આપવામાં આવી હતી. ઇન્ડિયા હાઉસને ભારતીય તિરંગાના રંગે રોશનીથી ઝળહળાં કરાયું હતું.
ભારતીય હાઇકમિશનના પરિસરમાં આયોજિત સમારોહમાં યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, યુકેની મુલાકાતે આવેલા ભારતીય સેના અને એનસીસીના પ્રતિનિધિઓ તેમજ ઇન્ડિયન નેશનલ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના સભ્યો હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે ભારતીય ડાયસ્પોરાના તમામ વયજૂથના વિવિધ સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે રાષ્ટ્રગાન કરીને દેશભક્તિના નારા લગાવ્યાં હતાં. બ્રિટિશ ઇન્ડિયન સંગીતકાર રાકેશ જોશીના નેતૃત્વમાં ભારતીય વૃંદગાન ક્વાયરે વંદે માતરમનું ગાન કર્યા બાદ દેશભક્તિના ગીતો રજૂ કર્યાં હતાં.
વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા સમારોહમાં ભારતીય સમુદાય અને પ્રવાસી ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા ગણાતા બ્રિટિશ નાગરિકો પણ સમારોહમાં સામેલ થયાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, ઉજવણી માટે ભારતની ઘણી સિદ્ધીઓ છે. યુકેમાં રજા ન હોવા છતાં ધાર્યા કરતાં બમણી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.