લંડનઃ ઇમિગ્રન્ટસ માટેના લાંબા અને ખર્ચાળ વિઝા રૂટને રેસિસ્ટ ગણાવવામાં આવ્યો છે. રૂટની સમીક્ષામાં જણાયું છે કે મોટી ભાગના અરજકર્તાઓને એમ લાગે છે કે તેઓ વંશીય લઘુમતી સમુદાયોના હોવાના કારણે તેમને આ રૂટથી વિઝા મેળવવાની ફરજ પડાય છે. આ રૂટને બંધ કરવાની માગ કરવામાં આવી રહી છે.
ઓછી આવક અને પ્રોફેશનલ લાયકાત ન હોવાના કારણે અન્ય ઇમિગ્રેશન યોજનાઓ માટે લાયક ન હોય તેવા હજારો ઇમિગ્રન્ટ દ્વારા 10 વર્ષના વિઝા રૂટનો ઉપયોગ કરાય છે. તેમાંના ઘણા ક્લિનીંગ અને કેર વર્ક જેવી ઓછા વેતનની નોકરીઓ કરતા હોય છે. યુકેમાં સ્થાયી થવા માટેના અન્ય વિઝા રૂટની અવધિ પાંચ વર્ષની છે.
માહિતી અધિકાર અંતર્ગત મળેલા આંકડા અનુસાર હાલ યુકેમાં 2,18,110 ઇમિગ્રન્ટ 10 વર્ષના વિઝા રૂટનો ઉપયોગ કરી રહ્યાં છે. હોમ ઓફિસના આંકડા અનુસાર ટોચના 10 દેશોના નાગરિકોને એમ લાગે છે કે વંશીય લઘુમતી સમુદાયોના હોવાના કારણે તેમને આ રૂટની ફરજ પાડવામાં આવે છે. તેમાં ટોચના પાંચ દેશમાં નાઇજિરિયા, પાકિસ્તાન, ભારત, ઘાના અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ રૂટનો ઉપયોગ કરનારા 86 ટકા લોકોમાં એશિયન અથવા આફ્રિકન દેશોના લોકોનો સમાવેશ થાય છે. ફક્ત 6 ટકા યુરોપિયન ઇમિગ્રન્ટ જ આ રૂટનો ઉપયોગ કરે છે. આ માટેની ફી પણ 3850 પાઉન્ડ છે જે ઓછી આવક ધરાવતા ઇમિગ્રન્ટ્સને પોષાતી નથી. હોમ ઓફિસ આ ફી માફ કરી શકે છે પરંતુ ઘણી અરજીઓ નકારી કાઢવામાં આવે છે.