લંડનઃ વિશ્વભરમાં કાર્બન ડાયોક્સાઈડ એમિશન કે પ્રદુષણની ચર્ચા ચાલી રહી છે ત્યારે માન્ચેસ્ટર યુનિવર્સિટીના એક સંશોધનમાં ઘણી રસપ્રદ બાબત બહાર આવી છે. આ સંશોધનમાં સેન્ડવિચ આરોગવાની બ્રિટિશરોની આદત વિશે જણાવાયું છે. જે અનુસાર બ્રિટનમાં સેન્ડવિચનો વાર્ષિક વપરાશ થાય છે તેના ઉત્પાદનમાંથી પેદા થતા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૮૦ લાખથી વધુ કારમાંથી ફેંકાતા કાર્બન ડાયોક્સાઈડથી વધુ છે.
બ્રિટિશ સેન્ડવિચ એસોસિયેશનના આંકડા મુજબ બ્રિટનમાં દર વર્ષે આશરે ૧૧.૫ બિલિયન સેન્ડવિચીસ ખાવામાં આવે છે, જેમાંથી અડધી ઘરબનાવટની અને અડધી બજારમાંથી ખરીદેલી હોય છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર અડિશા એઝાપેજિકના અભ્યાસ મુજબ આ વાર્ષિક વપરાશ સરેરાશ ૯.૫ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ પેદા કરે છે, જે ૮.૬ મિલિયન કારના વાર્ષિક વપરાશથી પેદા થતાં આ વાયુના પ્રમાણની સમકક્ષ છે. સંશોધકોએ ૪૦ અલગ અલગ ફિલિંગ-પૂરણ ધરાવતી સેન્ડવિચની કાર્બન ફૂટપ્રિન્ટનો અભ્યાસ કર્યો હતો. સામૂહિક ઉત્પાદન કરાતી સેન્ડવિચીસમાં પોર્ક (બેકન, હેમ કે સોસેજ) હોય છે, જે સૌથી મોટી ફૂટપ્રિન્ટ ધરાવે છે. આ પછી, બજારમાંથી ખરીદાયેલી ચીઝ અથવા પ્રોન ધરાવતી સેન્ડવિચીસનો નંબર આવે છે.
સૌથી વધુ કાર્બન ડાયોક્સાઈડ બજારમાં મળતી ઈંડા, બેકન અને સોસેજના પૂરણ સાથેની ‘ઓલ ડે બ્રેકફાસ્ટ’ સેન્ડવિચથી પેદા થાય છે. તેના ઉત્પાદનમાં ૧,૪૪૧ ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ પેદા થાય છે, જે ૧૯ કિલોમીટર સુધી કાર ચલાવીએ તેમાંથી ફેંકાતા વાયુ સમકક્ષ છે. ઘરબનાવટની હેમ અને ચીઝ સેન્ડવિચ સૌથી ‘સ્વચ્છ’ છે. બજારમાં વેચાતી સેન્ડવિચના ઉત્પાદન, સ્ટોરેજ, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટના કારણે ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઈડ પર્યાવરણ પર ખરાબ અસર કરે છે. સંશોધકોએ અંદાજ માંડ્યો છે કે બનાવટ અને પેકેજિંગમાં ફેરફાર, વેસ્ટેડના રિસાયકલિંગ અને તેની શેલ્ફ લાઈફ વધારવાથી સેન્ડવિચીસની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકાય છે.