લંડનઃ યુકેમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે લાખો ઘરોને હીટ પમ્પ અને બોઇલરથી સજ્જ કરવાની યોજના એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડ દ્વારા તૈયાર કરાઇ છે. એનર્જી સેક્રેટરીના વિભાગે વૈકલ્પિક હાઇબ્રીડ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના તૈયાર કરી છે જેમાં હીટ પમ્પ દ્વારા ઘરોને ગરમ રખાશે જ્યારે નાના ગેસ બોઇલર દ્વારા પાણી ગરમ કરાશે.
અધિકારીઓ આ યોજનાની સફળતા અંગે સમીક્ષા કરી રહ્યાં છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ઘણા પરિવાર બોઇલરને હીટ પમ્પ સાથે રિપ્લેસ કરી શકશે નહીં કારણકે તેમના ઘર ઘણા નાના છે અને તેમાં હોટ વોટર સ્ટોરેજ સિલિન્ડર ફીટ કરી શકાય તેમ જ નથી.
એડ મિલિબેન્ડ ઇચ્છે છે કે વર્ષ 2028 સુધીમાં 6,00,000 ઘરોમાં હીટ પમ્પ લગાવી દેવામાં આવે. ગયા વર્ષે 40,000 ઘરમાં હીટ પમ્પ લગાવવામાં આવ્યા હતા. જોકે ઘણા પરિવારો માટે આ ટેકનોલોજી ઘણી ખર્ચાળ છે. હીટ પમ્પ લગાવવાનો ખર્ચ 14,000 પાઉન્ડ છે. તેનો અર્થ એ કે સરકાર દ્વારા 7500 પાઉન્ડની ગ્રાન્ટ આપવામાં આવે તો પણ પરિવારને નવા હીટ પમ્પ લગાવવા માટે મોટો ખર્ચ કરવો પડે તેમ છે. જેની સામે ગેસ બોઇલરનો ખર્ચ 2000થી 4000 પાઉન્ડ વચ્ચે આવે છે.
ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાઇબ્રીડ હીટ પમ્પ માટે ધોરણો નક્કી કરવા હાઇબ્રીડ હીટ પમ્પ માટેના બજારનો મજબૂત પાયો તૈયાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે.