લંડનઃ અસ્થમાની સારવાર લઈ રહેલાં અડધોઅડધ બાળકો આ રોગ ધરાવતા ન હોવાનું એક સંશોધનમાં બહાર આવ્યું છે. આ તારણોના પરિણામે સંખ્યાબંધ બાળકોને આડેધડ અસ્થમાનું નિદાન કરવા સામે ફેમિલી ડોક્ટરોને ચેતવણી આપવામાં આવશે. ડોક્ટરો સર્જરીઝમાં બરાબર તપાસ કરતા નથી અથવા ફેફસાની કામગીરીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ જતા હોવાથી આવી પરિસ્થિતિ સર્જાતી હોવાનો દાવો કરાયો છે. બ્રિટનમાં દસ લાખથી વધુ બાળકોને અસ્થમાનું નિદાન કરાયું છે.
જોકે, નેધરલેન્ડ્સમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટર દ્વારા બ્રિટિશ જર્નલ ઓફ જનરલ પ્રેક્ટિસમાં પ્રસિદ્ધ સંશોધનના તારણો અનુસાર અસ્થમાના ૩૩ ટકા પુખ્ત દર્દીઓમાં રોગના લક્ષણો જણાયા ન હતા અને કદાચ તેમનું ખોટું નિદાન કરાયું હતું. મેડિકલ સેન્ટરે અસ્થમાનું નિદાન ધરાવતા ૬૫૬ બાળકોના મેડિકલ રેકોર્ડ્સ તપાસ્યા હતા, જેમાંથી ૫૩ ટકા બાળદર્દીમાં અસ્થમાના ક્લિનિકલ લક્ષણો જણાયા ન હતા. યુરોપમાં શ્રેષ્ઠ આરોગ્યસંભાળમાં નેધરલેન્ડ્સ પ્રથમ સ્થાને છે. આથી, બ્રિટિશ બાળકોમાં આ સમસ્યાં અતિ ખરાબ હોઈ શકે છે.
ધ નેશનલ ઈન્સ્ટિયુટ ઓફ ક્લિનિકલ એક્સેલન્સે (નાઈસ) જણાવ્યું હતું કે ડોક્ટરો ઘણી વખત ક્લિનિકલ પરીક્ષણોના બદલે શ્વાસ લેવાની તકલીફ, ખાંસી-ઉધરસ અને કફના કેસ હિસ્ટરીના આધારે નિદાન કરે છે. અસ્થમાના ચોક્કસ નિદાન માટે સૌથી યોગ્ય પરીક્ષણો બાબતે પ્રાઈમરી, સેકન્ડરી અનેકોમ્યુનિટી કેર હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે સલાહ આપવા નાઈસ દ્વારા ગાઈડલાઈન તૈયાર કરાતી હોવાનું નાઈસના ક્લિનિકલ પ્રેક્ટિસના ડિરેક્ટર પ્રોફેસર માર્ક બેકરે જણાવ્યું હતું.