લંડનઃ લિબરલ ડેમોક્રેટ્સે તેમના ચૂંટણી ઢંઢેરામાં રવાન્ડા યોજના રદ કરવાના વચન સાથે ઇમિગ્રન્ટ્સની તરફેણ કરી છે. પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે, યુકે હંમેશા નવાગંતુકોને આવકારવાનો ઇતિહાસ ધરાવે છે. અમે દરેક ઇમિગ્રન્ટ સાથે સન્માનજનક વ્યવહાર થાય તેવી સિસ્ટમની તરફેણ કરીએ છીએ. પાર્ટીએ માઇગ્રન્ટ વર્કર્સ અને ફેમિલી વિઝા માટેની પગાર મર્યાદા રદ કરવાનું પણ વચન આપ્યું છે. પાર્ટી માને છે કે માઇગ્રન્ટ્સને કારણે દેશને લાભ થાય છે.
લિબરલ ડેમોક્રેટ ચૂંટણી ઢંઢેરાની મહત્વની જાહેરાતો
- સ્કોટલેન્ડની તર્જ પર વિનામૂલ્યે પર્સનલ કેર ઇંગ્લેન્ડમાં લાગુ કરીશું
- ઇંગ્લેન્ડમાં વધુ 8000 જીપી નિયુક્ત કરીશું, અરજન્ટ સારવાર માટે 62 દિવસની ગેરેંટી
- 2029 સુધીમાં જાહેર ખર્ચમાં પ્રતિ વર્ષ 27 બિલિયન પાઉન્ડનો વધારો કરાશે
- 2045 સુધીમાં નેટ ઝીરો ટાર્ગેટ હાંસલ કરાશે
- ચાઇલ્ડ બેનિફિટ માટે બે બાળકોની મર્યાદા નાબૂદ કરીશું
- કેરર્સ એલાવન્સમાં સુધારો કરી પ્રતિ સપ્તાહ 20 પાઉન્ડ સુધીનો વધારો
- અર્લી યર પ્યુપીલ પ્રીમિયમ વધારીને 1000 પાઉન્ડ કરાશે, ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણની ગેરેંટી
- જ્યુડિશિયલ સિસ્ટમમાં સુધારો, કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવાશે
- મતદાન માટેની લઘુત્તમ વયમર્યાદા 16 વર્ષ કરીશું
- યુરોપના સિંગલ માર્કેટમાં ફરી સામેલ થઇશું