નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડના મર્સીસાઇડ મેટ્રોપોલીટન કાઉન્ટીનું શહેર લિવરપુલ, જેણે જગવિખ્યાત પોપસ્ટાર્સ જ્હોન લેનન, પોલ મકાર્ટની, રીંગો સ્ટાર્ર અને સંખ્યાબંધ સિનેકલાકારોની ભેટ અાપી છે એ મ્યુઝીક સિટીની મુલાકાતે ગત શુક્ર અને શનિવારે જવાનું થયું હતું. અહીં ભારતીય સંગીતસાધનાની ધૂણી ધખાવીને પશ્ચિમના પરિસરમાં પૂર્વના સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરી રહેલા "મિલાપફેસ્ટ"ના સરસ્વતી સાધકોને જાણવાનો, માણવાનો મોકો મળ્યો. લગભગ ૩૦ વર્ષ (૧૯૮૫)થી કાર્યરત "મિલાપફેસ્ટ" દ્વારા ૫૦૦થી વધુ યુવાન અને બાળકલાકારોને ભારતીય નૃત્યકલા અને સંગીત શિક્ષણનું જ્ઞાન અાપી તૈયાર કરાયા છે. "મિલાપફેસ્ટ" દ્વારા એના "કેપસ્ટોન" થિયેટરમાં તા. ૨૪ થી ૩૧ જુલાઇ દરમિયાન "ઇન્ડિકા- ધ સ્પીરીટ અોફ ઇન્ડિયા" કાર્યક્રમનું અાયોજન કરવામાં અાવ્યું હતું. ઇન્ડિયન કલાસીકલ મ્યુઝીક અને ડાન્સની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ અા કાર્યક્રમમાં ગયા શુક્રવારે મુખ્ય અતિથિવિશેષ પદે લોર્ડ નવનીતભાઇ ધોળકિયા, લેડી એન ધોળકિયા અને તંત્રીશ્રી સી.બી. પટેલને અામંત્રિત કરાયા હતા. લિવરપુલ હોપ યુનિવર્સિટીના કેમ્પસમાં ત્રણ ઇમારતોમાં ભારતીય સંગીત અને નૃત્યકલા વિષયક શૈક્ષણિક પ્રસાર-પ્રવૃત્તિ કાર્યરત છે.
વિવિધ પ્રાંતની હસ્તકલા, સંગીત અને નૃત્યકલા દ્વારા ભારતીય સાંસ્કૃિતક વારસાનો પરિચય કરાવતા ત્રણ મજલી અદ્યતન કલાભવન "સંન્નિધિ"માં ૪૫૦ વ્યક્તિઅો બેસી શકે એવા થિયેટરમાં શુક્રવારે સાંજે કલકત્તાના વિખ્યાત સરોદવાદક પંડિત રણજિત સેનગુપ્તા, તબલાવાદક કૌશિક સેન અને મૃદંગમ્ વાદક પત્રિમ સતિષ કુમારે એમની કલાનિપૂણતાનો સૌને પરિચય કરાવ્યો હતો. લિવરપુલમાં “મિલાપફેસ્ટ”ની કાર્યપ્રવૃત્તિ જોઇ પ્રભાવિત થયેલા લોર્ડ ધોળકિયાએ "કોર્નર સ્ટોન" ઇમારતના ભવ્ય ડાઇનીંગ હોલમાં યોજાયેલ ભોજન સમારોહમાં પોતાનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું કે, ‘આ પ્રસંગે આમંત્રિત કરાયાથી હું નમ્રતા અને ગૌરવ અનુભવું છું. ડો. પ્રશાંત મને લંડન મળવા અાવ્યા ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે અહીં અાટલી સરસ પ્રવૃત્તિ ચાલી રહી છે. લંડન બહાર ઇંગ્લેન્ડની ઉત્તરે પણ ભારતીય અસ્મિતાનું દર્શન થઇ શકે છે!! “મિલાપફેસ્ટ" એ લિવરપૂલના તાજનો ઝગમગતો હીરો છે". અા એક યુનિક ઇન્સ્ટીટયૂટ છે જે અાપણી સંસ્કૃિતની કિંમત સમજે છે. વિદેશમાં રહેતા બિન નિવાસી ભારતીયો દ્વારા અાપણી અા સંસ્કૃિત અને સંસ્કારો ભારતમાં પ્રકાશિત થાય એવી મારી મહેચ્છા છે. લિવરપૂલે દર્શાવ્યું છે કે આવા કાર્યક્રમ માટે સમર્થન અાપવું એ તેની સાંસ્કૃિતક વિરાસતનો હિસ્સો છે. આપણી વૈવિધ્યપૂર્ણ કોમ્યુિનટીના યુવાવર્ગ આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઉત્સુક રહે છે અને મિલાપફેસ્ટ દ્વારા આ ખાઈ પૂરવામાં આવી છે. તેમણે અપનાવેલા ઘર બ્રિટન પ્રત્યે સન્માન અને વફાદારી દર્શાવવામાં તેઓ સાંસ્કૃિતક સહભાગિતાથી મજબૂત બન્યા છે ત્યારે તેમના વિકાસમાં ઉદ્દામવાદીકરણને કોઈ સ્થાન જ નથી. લિવરપૂલ ફૂટબોલ ટીમ્સ માટે પ્રખ્યાત છે અને બીટલ્સ, શિલા બ્લેક અને અન્યો દ્વારા જાણીતા બનાવાયેલા પોપ મ્યુઝીકનું પરગણું છે. તાજેતરમાં જ લિવરપૂલને સંસ્કૃિતના નગર તરીકે માન્યતા મળી છે. આ મર્સીસાઈડ સિટીની સુંદરતામાં છુપાયેલા કેપસ્ટોન થીએટર વિશે આપણે ઘણું ઓછું જાણીએ છીએ, જ્યાં થોડાં વર્ષોથી સૌથી મહત્ત્વપૂર્ણ ‘ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયન આર્ટ્સ ઈન યુરોપ’નું આયોજન કરાય છે. "ઈન્ડિકા" દ્વારા પ્રતિભાશાળી કલાકારોને એક મંચ પર લાવવામાં આવે છે, જેઓના સાથ સહકાર અને સુમેળ દ્વારા સંગીતરચનાની તદ્દન નવી કલ્પનાઓનું સર્જન કરવામાં અાવે છે. આ ઉત્સવના કેન્દ્રમાં ‘મિલાપફેસ્ટ’ છે, જેનું ધ્યેય કલાના માધ્યમથી લોકોના દિલોને જોડવાનું છે.’
કાર્યક્રમનો અાનંદ માણતા લોર્ડ ધોળકિયાએ જણાવ્યું કે, “આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રણેતામાં એક પ્રશાંત નાયક ૩૦ વર્ષથી જોડાયેલા છે, પરંતુ તેમણે પોતાના ફાળા બદલ કદી પ્રસિદ્ધિની ઈચ્છા રાખી નથી. અહીં હું એટલું જરૂર કહીશ કે તમામ વંશીય અને સાંસ્કૃતિક વિભાજનથી અલગ રહીને લિવરપૂલ કોમ્યુનિટી દ્વારા તેમની સારી કદર અને સન્માન કરાય છે. આ કાર્યક્રમમાં સરોદ, તબલાં અને મૃદંગમના સમન્વય સ્વરુપે પત્રિમ સતીશ કુમાર, પંડિત રણજિત સેનગુપ્તા અને કોશિક સેને એમની કલાનિપૂણતા દર્શાવી ત્યારે યુવા ઓડિયન્સનો અપાર આનંદ અને સમયાંતરે ઉભા થઈ તાળીઓના ગડગડાટથી વધાવી લેવાતા હતા તે બાબત સ્પષ્ટ કરે છે કે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની તીવ્ર ઈચ્છા લોકો ધરાવે છે.
મિલાપફેસ્ટ દ્વારા દર વર્ષે સરેરાશ ૬૫થી વધુ પરફોર્મન્સ ઈવેન્ટ્સ અને ૩૮૫થી વધુ શિક્ષણસત્રો યોજવામાં આવે છે. તે અનોખો રેકોર્ડ પણ ધરાવે છે. તે દર વર્ષે ૨૨૦થી વધુ કળાકારો નોકરી પર રાખે છે, જેઓ અભિનયની તાલીમ અને કારકીર્દિ વિકાસ તકો મારફત દર વર્ષે ૨,૫૦૦થી વધુ યુવાન લોકોને કામે લગાવે છે. બ્રિટનમાં આર્ટ્સ કાઉન્સિલ દ્વારા સપોર્ટ કરાતા થોડાં સાંસ્કૃતિક અભ્યાસક્રમોમાં તેનો સમાવેશ થાય છે. તંત્રીશ્રી સી.બી. પટેલે જણાવ્યું કે, “”મિલાપફેસ્ટ" દ્વારા પ્રાંતિય અને રાષ્ટ્રીય સ્તરે જે રીતે શિક્ષણ-કલાની પ્રગતિ અને પ્રવૃત્તિ થઇ રહી છે એ જોઇ હું અત્યંત ખુશી અને ગૌરવ અનુભવું છું. અત્રેના સમુદાય અને યુવાનોના જીવન ઘડતરમાં પાયાનો બદલાવ લાવતા અાવા મહત્વપૂર્ણ કાર્યને માન્યતા અાપવી તે ખૂબ જ અગત્યની છે. અાપણે એ ન ભૂલવું જોઇએ કે અાજે ભારતમાંથી સોફ્ટવેર ઇજનેરો, એકાઉન્ટન્ટો ને તબીબો જેવા બુધ્ધિધનની વિશ્વભરમાં નિકાસ થાય છે એમ અાપણા ભારતીય કલા અને સંસ્કારવારસાની પણ ભારતમાંથી વધુને વધુ નિકાસ થવી જ જોઇએ.
અા "મિલાપફેસ્ટ"નું બીજારોપણ લિવરપુલમાં કયારે અને કેવી રીતે થયું એનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. ચાળીસેક વર્ષ અગાઉ વડોદરાની MSયુનિવર્સિટીમાંથી અોર્થોપિડિક સર્જન થયેલા ડો. પ્રશાંતભાઇ નાયક અને એમનાં તબીબી ધર્મપત્ની ડો. ગીતાબેન નાયક લિવરપુલમાં સ્થાયી થયાં. ત્યાં ડો. સુંદરમુથ્થુ જેવા અન્ય મિત્રો સાથે મૈત્રીભર્યા સંબંધો થયા. ડો. પ્રશાંતભાઇ અને મિત્રોએ વિચાર્યું કે પશ્ચિમની ધરતી પર ઉછરી રહેલાં અાપણા સંતાનો ભારતીય સંસ્કાર અને સંસ્કૃિતથી વંચિત રહી જશે તો શું કરવું જોઇએ. લિવરપુલમાં વસતા મિત્રોએ ભેગા મળી નવરાત્રિ અને દિવાળી ઉજવવાનું શરૂ કર્યું એમાં સૌ સ્થાનિક પ્રજાજનો પણ રસ લેતા થયા. એ જોઇ ૧૯૮૫માં અમે "મિલાપ" યુથ અોરકેસ્ટ્રા શરૂ કરી. વિખ્યાત સંગીતકાર શિવકુમાર અને ઝાકીરહુસેન દ્વારા સંગીત શીખવવાનું શરૂ કર્યું. ૧૯૯૦માં મર્સીસાઇડ અાર્ટસના રેવન્યુ કલાયન્ટ બન્યા અને ત્યારબાદ લિવરપુલ સિટી કાઉન્સિલ અને અાર્ટસ કાઉન્સિલ ઇંગ્લેન્ડ દ્વારા ફંડ મળતાં ૧૯૯૩માં મિલાપ ફેસ્ટીવલ ટ્રસ્ટ રજીસ્ટર્ડ ચેરિટી અને ઇનકોર્પોરેટેડ કંપની બન્યું
મિલાપફેસ્ટ દ્વારા દર વર્ષે સરેરાશ ૬૫થી વધુ પરફોર્મન્સ ઈવેન્ટ્સ અને ૩૮૫થી વધુ શિક્ષણસત્રો યોજવામાં આવે છે. તે અનોખો રેકોર્ડ પણ ધરાવે છે. તે દર વર્ષે ૨૨૦થી વધુ કલાકારો નોકરી પર રાખે છે, જેઓ અભિનયની તાલીમ અને કારકીર્દિની વિકાસ તકો મારફત દર વર્ષે ૨,૫૦૦થી વધુ યુવાન લોકોને પ્રવૃત્તશીલ રાખે છે. બ્રિટનમાં આર્ટ્સ કાઉન્સિલ દ્વારા સપોર્ટ કરાતા થોડાં સાંસ્કૃિતક અભ્યાસક્રમોમાં તેનો સમાવેશ થાય છે. લિવરપુલ હોપ યુનિ.ના કેમ્પસમાં અાવેલ "સંન્નિધિ" ઇન્સ્ટીટયૂટ અોફ ઇન્ડિયન કલ્ચર"ના અાર્કાઇવ સેન્ટરમાં જગવિખ્યાત કલાકારોનું ૧૨૦૦૦ કલાકનું લાઇવ કલાસીકલ મ્યુઝીક કોન્સર્ટ કમ્પયુટરાઇઝ્ડ કરાયું છે અને ૧૦૦૦ ઉપરાંત પુસ્તકો, સીડી અને ડીવીડી ઉપલબ્ધ છે.
“મિલાપફેસ્ટ"ના અાસીસ્ટંટ ડાયરેકટર શ્રી અાલોક નાયક છે. તેમની મહેનતથી અાજે મિલાપફેસ્ટ દ્વારા "સામિયો" અને "તરંગ" મ્યુઝીક અોરકેસ્ટ્રા દ્વારા ૫૦૦થી વધુ યુવા કલાકારો તૈયાર કરાયા છે. “સામિયો" એ વિશ્વની છ અોરકેસ્ટ્રામાં સ્થાન ધરાવે છે. જેમા પાંચ થી ૧૮ વર્ષના બાવન સંગીતવાદકો જે બ્રિટનભરમાંથી પસંદગી પામ્યા હોય છે. એ પછી ૧૮ વર્ષના સંગીતકારો "તરંગ"માં જોડાય છે. ૧૮ થી ૩૦ વર્ષના સંગીતવાદકો "મિલાપફેસ્ટ"ટ્રસ્ટમાં ઇન્ટરનેશનલી સંગીતકારો સાથે અાખું વર્ષ શિક્ષણ લઇ તૈયાર થાય છે. “તરંગ" અોરકેસ્ટ્રાના કંડકટર ગૌરવ મઝુમદાર છે. “તરંગ"માં ૨૨ જેટલા સંગીતવાકદ છે. જે સિતાર, વીણા, વાયોલીન, તબલાં, મૃદંગમ્, સરોદ, સંતૂર, ખંજીરા, પિયાનો, સેક્સોફિન સહિત તમામ સંગીતવાદ્યો વગાડે છે. “મિલાપફેસ્ટ" દર વર્ષે લંડન અને નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં સંગીત શોનું અાયોજન કરે છે.
"મિલાપફેસ્ટ"ના એકઝીકયુટીવ ડાયરેક્ટર ડો. પ્રશાંતભાઇ નાયક અને એમનાં ધર્મપત્ની ગીતાબેન જે મૂળ તામિલ છે પણ ઉછેર અને ભણતર વડોદરામાં થયું હોવાથી ગુજરાતી ખૂબ સરસ બોલી શકે છે તેમણે જણાવ્યું કે, “અત્રે ઉછરતી અાપણી યુવાપેઢીમાં સંસ્કાર અને શિક્ષણનું ખૂબ મહત્વ છે. અાર્ટ કાઉન્સિલની ગ્રાંટની મદદથી અમે અોપન કોમ્પીટીશન રાખી યુવાન "સંગીત રત્ન" અને યુવાન "નૃત્યરત્ન" એવોર્ડનું અાયોજન કરીએ છીએ.
લિવરપુલમાં ભારતીય સંસ્કાર અને કલા શિક્ષણનું અભિયાન અાદરનાર ડો. પ્રશાંતભાઇ નાયકને ગળથૂથીમાં જ ભારતીય અસ્મિતા અને સંસ્કારવારસો મળ્યો છે. એમના સ્વાતંત્ર્યવીર અને જાણીતા શિક્ષણવિદ્ પદ્મશ્રી રઘુભાઇ નાયકના માર્ગદર્શનથી તેમણે "મિલાપ" નામ અાપ્યું હતું. તેઅોના માતુશ્રી એક સુવિખ્યાત કેળવણીકાર, શિક્ષિકા અાદરણીય જશીબેન નાયકને ડો. પ્રશાંતભાઇના નિવાસસ્થાને મળવાનું સદભાગ્ય અમને સાંપડ્યું હતું. “ગુજરાત સમાચાર અને Asian Voice” દ્વારા પૂજ્ય જશીબેનને સન્માનપત્ર એનાયત કરાયું હતું. એ વખતે પૂ. જશીબેનને તંત્રીશ્રી સાથે થયેલી કેટલીક રસપ્રદ વાતોને અમે અાવતા અંકમાં પ્રસિધ્ધ કરીશું.