લુધિયાણામાં ગુરુ નાનક દેવ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત હતા. મુખ્ય પ્રધાન બાદલ, લોર્ડ રાજ લૂમ્બા અને લેડી લૂમ્બાએ કેટલાંક લાભાર્થીઓને સીવવાના સંચા આપી પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવ્યો હતો.
લોર્ડ રાજ લૂમ્બાએ જણાવ્યું હતું કે, ‘મારો જન્મ ધિલવાનમાં થયો હોવાથી હું પંજાબની ભૂમિ સાથે જોડાયેલો રહ્યો છું. ભલે, મારું નસીબ મને બીજે ખેંચી ગયું હોય. હું યુકેમાં સાંસદ છું અને મારું ફાઉન્ડેશન ભારત, શ્રી લંકા, બાંગલાદેશ, નેપાળ, કેન્યા, રવાન્ડા, માલાવી, સાઉથ આફ્રિકા, સીરિયા અને ગ્વાટેમાલા સહિત વિશ્વના અલગ અલગ સ્થળોએ વિધવાઓને ગરીબીના ભરડામાંથી બહાર લાવવા સક્રિયપણે કાર્યરત હોવાં છતાં, આ ગંભીર ઉદ્દેશ માટે મારી જ ભૂમિ સાથે હાથ મેળવવા કરતા વધુ આનંદ મારા માટે બીજો કશો નથી.
આપણે ભારતનો ૬૮મો સ્વાતંત્ર્ય દિન ઊજવ્યો, પરંતુ આપણી લાખો વિધવાઓને આર્થિક સ્વાતંત્ર્યની ચોકસાઈ કરી શક્યા નથી. મને આશા છે કે પંજાબ સરકાર સાથેની આ ભાગીદારી પંજાબ અને સમગ્ર ભારતમાં વિધવા હોવાં સાથે સંકળાયેલા આ કલંક અને તકલીફોની સંપૂર્ણ નાબૂદી કરવાના ધ્યેય તરફ દીર્ઘ સંબંધોનો આરંભ પૂરવાર થશે. હું એવી આશા રાખું છું કે ભારતના અન્ય રાજ્યો પણ જીવનનિર્વાહ માટે વિધવાઓનાં સશક્તિકરણ માટે ધ લૂમ્બા ફાઉન્ડેશન સાથે હાથ મિલાવશે.’