લંડનઃ નવી વૈજ્ઞાનિક સફળતાના પરિણામે પ્રયોગશાળામાં તૈયાર કરાયેલું લોહી મળતું થવાના અણસાર છે. પ્રયોગશાળામાં લોહીનો અમર્યાદિત જથ્થો તૈયાર કરવામાં સંશોધકોએ ‘ઈમ્મોર્ટલ સેલ્સ’ તરીકે ઓળખાતાં પ્રાથમિક તબક્કાના સ્ટેમ સેલ્સનો ઉપયોગ કર્યો હતો. આ કૃત્રિમ લોહી દુર્લભ પ્રકારના લોહી ધરાવતા લોકોને મદદરુપ બની શકશે. અત્યારે રકતદાનથી મેળવાતાં લોહીની સરખામણીએ લોહીની ઉત્પાદન પ્રક્રિયા વધુ ખર્ચાળ છે.
કૃત્રિમ લોહી ઉત્પાદન મુખ્યત્વે માનવશરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન કરતા સ્ટેમ સેલ પર આધાર રાખે છે. પરંતુ, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના સંશોધકોએ ‘ઈમ્મોર્ટલ સેલ્સ’ના ઉપયોગથી લોહીના ઉત્પાદનની નવી પદ્ધતિ શોધી છે. સામાન્ય રીતે સ્ટેમ સેલ અથવા મૂળભૂત કોષ ખતમ થાય તે પહેલા માત્ર ૫૦,૦૦૦ લાલ રક્તકણ બનાવી શકે છે. જોકે, આ સ્ટેમ સેલ વિકારની પ્રાથમિક અવસ્તામાં હોય ત્યારે તેના વારંવાર વિભાજન થકી અમર્યાદિત સંખ્યામાં કોષનું સર્જન કરી શકાય છે. જોકે, મોટા પાયા પર અને સસ્તી ઉત્પાદન પ્રક્રિયા વિકસાવવી હજુ બાકી છે. હોસ્પિટલમાં વપરાતી સામાન્ય બ્લડ બેગમાં આશરે એક ટ્રિલિયન લાલ રક્તકણ હોય છે.
ઈંગ્લેન્ડમાં પેશન્ટ્સની જીંદગી બચાવવા NHS Blood and Transplantને દર વર્ષે ૧.૫ મિલિયન બ્લડ યુનિટ્સની જરૂર પડે છે. આટલા વ્યાપક પ્રમાણમાં કૃત્રિમ લોહીનું ઉત્પાદન કરી શકાય તે માટે વર્ષો લાગશે. આમ છતાં, લોહીનો દુર્લભ પ્રકાર ધરાવતા તેમજ વારંવાર લોહી ચડાવવાની જરૂર પડતી હોય તેવા સિકલ સેલ રોગ અને થેલેસેમિયા જેવાં જટિલ રોગ સાથેના લોકો માટે નાના પાયે કૃત્રિમ લોહી બનાવી શકાય તેવો વિશ્વાસ સંશોધકોને છે.