લંડનઃ ભારતીય ડાયસ્પોરાનો સંપર્ક સાધવા માટેની લેબર પાર્ટીની સંસ્થા લેબર ઇન્ડિયન્સ દ્વારા ગયા સપ્તાહમાં લીવરપુલ ખાતે આયોજિત પાર્ટીની કોન્ફરન્સમાં ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધને પ્રોત્સાહિત કરવા ‘The UK-India Relationship: Perspectives on a Future Partnership’ નામનું પ્રકાશન શરૂ કરાયું હતું.
લંડનમાં ભારતીય હાઇ કમિશન દ્વારા પણ એક સમારોહનું આયોજન કરાયું હતું જેમાં બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ, મિનિસ્ટર ફોર માઇગ્રેશન એન્ડ સિટિઝનશિપ સીમા મલ્હોત્રા સહિતના મંત્રી, સાંસદો અને કાઉન્સિલર હાજર રહ્યાં હતાં.
સમારોહમાં ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, આ સંબંધનું હાર્દ ભારત-યુકે 2030 રોડમેપ છે. આ રોડમેપ આપણા સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઇ જશે. આ રોડમેપ બંને દેશ વચ્ચેના વેપાર, મૂડીરોકાણ અને ટેકનિકલ અને સંરક્ષણ સહકારને વેગ આપવાનું વિઝન ધરાવે છે. યુકેમાં વસતો 1.8 મિલિયનનો ભારતીય ડાયસ્પોરા બંને દેશની સમૃદ્ધિ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવી રહ્યો છે.
લેબર ઇન્ડિયન્સના અધ્યક્ષ ક્રિસ રાવલે જણાવ્યું હતું કે, બ્રિટિશ ભારતીય સમુદાય સાથે લેબર પાર્ટીનો સહયોગ આર્થિક પરિણામો અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને તક આપે છે. ઉદ્યોગ સાહસિક ભારતીય ડાયસ્પોરાના યોગદાન વડે લેબર પાર્ટી યુકેની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરી શકે છે.