4 જુલાઇના મતદાન પહેલાં વડાપ્રધાનપદ માટે હોટ ફેવરિટ મનાતા સર કેર સ્ટાર્મરે ગુજરાત સમાચાર- એશિયન વોઇસ સાથેની વિશેષ મુલાકાતમાં બ્રિટિશ એશિયન સમુદાયો પ્રત્યેના લેબર પાર્ટીના વલણ, વંશીય લઘુમતી સમુદાયો અને મહિલાઓના મુદ્દા, લેબર પાર્ટીમાં પ્રવર્તતા ભારત વિરોધી વલણ, યુકે અને ભારત વચ્ચેના પ્રસ્તાવિત વેપાર કરાર સહિતના ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.
બ્રિટિશ એશિયન સમુદાયોની સમસ્યાઓ અને રાજકીય પાર્ટીઓના તેમના પ્રત્યેના વલણ અંગેના સવાલ પર જવાબ આપતા સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મારી પાર્ટી ક્યારેય બ્રિટિશ એશિયન સમુદાયોની અવહેલના કરશે નહીં. કિંગ્સબરી ખાતેના સ્વામિનારાયણ મંદિરની મુલાકાત દરમિયાન મેં ભારતીય સમુદાયની રજૂઆતો સાંભળી હતી. મેં તેમને ખાતરી આપી છે કે મારી લેબર પાર્ટી હંમેશા બ્રિટિશ એશિયન સમુદાયોની રજૂઆતો પર ધ્યાન આપશે અને તેમના માટે મહત્વના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે. હું ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના વાચકોને પણ આજ કહેવા માગુ છું.
તેમણે જણાવ્યું હતું કે, હું અને મારા સહયોગીઓ મંદિરો, ગુરુદ્વારા, મસ્જિદો, કોમ્યુનિટી સેન્ટરોની મુલાકાત લઇ રહ્યાં છીએ અને એશિયન બિઝનેસમેન સાથે પણ મંત્રણાઓ કરી રહ્યાં છીએ. અમે ચૂંટણી પછી પણ આ સંપર્ક જારી રાખીશું. આ વખતની ચૂંટણીમાં મહત્વની બેઠકો પર દક્ષિણ એશિયન મૂળના 21 લેબર ઉમેદવાર મેદાનમાં હોવાનું મને ગૌરવ છે. અમારા આ અદ્દભૂત સાથીઓની મદદથી અમે બ્રિટિશ એશિયન સમુદાયોના જીવનોમાં આમૂલ પરિવર્તન લાવી શકીશું.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું બ્રિટિશ એશિયન સમુદાયોની સમસ્યાઓથી સુપેરે પરિચિત છું. અમે લેન્ડમાર્ક રેસ ઇક્વાલિટી એક્ટ લાવવાની પણ યોજના ધરાવીએ છીએ. આ કાયદાની મદદથી અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયોને સમાન વેતનનો સંપુર્ણ અધિકાર પ્રાપ્ત થશે, વંશીય પક્ષપાત અને અસમાનતાઓ સામે રક્ષણ પ્રાપ્ત થશે.
બ્રિટિશ ભારતીય સમુદાયનો વિશ્વાસ કેવી રીતે જીતશો
આ સવાલ પર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મારી પાર્ટી બ્રિટિશ એશિયન સમુદાયોને લગતા ચોક્કસ મુદ્દા હાથ ધરીશું. બ્રિટનમાં હિન્દુ, મુસ્લિમ, શિખ અથવા કોઇપણ અન્ય સમુદાય સાથે ભેદભાવને કોઇ સ્થાન નથી. સમુદાયોને વિભાજિત કરવાના પ્રયાસોને ક્યારેય સાંખી લેવાશે નહીં. લેબર પાર્ટી તમામ ધર્મના લોકો સુરક્ષિત હોય અને સન્માન પ્રાપ્ત કરે તેવા બ્રિટનના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. અમે એવો સમાજ ઇચ્છીએ છીએ જ્યાં વૈવિધ્યતા અને દક્ષિણ એશિયન સમુદાયોના યોગદાનની કદર થતી હોય.
ભારત સાથેનો અધૂરો મુક્ત વેપાર કરાર કેવી રીતે પૂરો કરશો
ભારત સાથેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ઊંચો વૃદ્ધિદર લેબર સરકારનું મિશન રહેશે. વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ એવા ભારત સાથેની ભાગીદારી અમારા આ મિશનનો મહત્વનો હિસ્સો રહેશે. અમે યુકે અને ભારત વચ્ચે નવી વ્યૂહાત્મક ભાગીદારી ઇચ્છીએ છીએ. મુક્ત વેપાર કરાર તેનો આધાર બનશે. અમે ભારતમાંથી યુકેમાં થતા રોકાણને આકર્ષવા માટે રાજદ્વારી નેટવર્ક વધુ મજબૂત બનાવીશું, બ્રિટિશ નિકાસકારો માટે ભારતના બજારોને વિસ્તારીશું.
સંભવિત લેબર સરકારના પ્રથમ 100 દિવસના 6 લક્ષ્યાંક
- આર્થિક સ્થિરતા લાવીશું, મોર્ગેજ – કરવેરા અને ફુગાવો નીચાં રહે તે માટે કડક નાણાકીય નિયમો લાગુ કરીશું
- એનએચએસને ફરી બેઠી કરવા દર સપ્તાહમાં વધારાની 40,000 એપોઇન્ટમેન્ટની જોગવાઇ, તે માટે નોન-ડોમ સ્ટેટસ અને કરચોરી પર આકરાં પગલાં
- ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવા સરહદો વધુ સુરક્ષિત કરીશું અને નવા બોર્ડર સિક્યુરિટી કમાન્ડની રચના કરીશું
- ગ્રેટ બ્રિટિશ એનર્જીના માધ્યમથી એનર્જી બિલ ઘટાડવામાં આવશે
- કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા 13000 પોલીસ કર્મચારીઓની તહેનાતી
- શાળાઓમાં વધુ 6500 શિક્ષકોની નિયુક્ત
કેર સ્ટાર્મર એટ એ ગ્લાન્સ
- નોકરીયાત લોકોની સેવાની રાજનીતિ જ મારું મિશન છે. મેં મારા અને લેબર પાર્ટીના સ્થાપિત મૂલ્યોમાં ઘણા બદલાવ કર્યાં છે. કોના માટે કામ કરવું અને કોને પ્રાથમિકતા આપવી તે અમે નક્કી કરી લીધું છે. અમે જનતા વિશ્વાસ કરી શકે તેવી પાર્ટી બનવા માગીએ છીએ. અમે આ દેશને પ્રેમ કરનારા લોકોની પાર્ટી હતાં, છીએ અને રહીશું.
- બદલાવ ઇચ્છતા લોકોએ મતદાન કરવું પડશે. આર્થિક સ્થિરતા, ઓછાં બિલ, સુરક્ષિત સરહદો, એનએચએસમાં સુધારા, બાળકોને પુરતી તકો માટે સ્થાનિક લેબર ઉમેદવારને મત આપવો પડશે
- હું માનુ છું કે બ્રિટનના દરેક બાળકને વિશ્વકક્ષાના શિક્ષણનો અધિકાર છે. 94 ટકા બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે પરંતુ હાલ શાળાઓમાં યોગ્ય શિક્ષકો નથી, આપણે આ સમસ્યા દૂર કરવાની છે. તેથી અમે પ્રાઇવેટ સ્કૂલો પર વેટ લાદવાનો નિર્ણય કર્યો છે. જોકે તેનો બોજો વાલીઓ પર નંખાશે નહીં. તેમાંથી થનારી 1.3 બિલિયન પાઉન્ડની આવક આપણા બાળકોના ભવિષ્ય માટે ખર્ચાશે.