લંડનઃ લેબર પાર્ટીએ જણાવ્યું છે કે નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અસાયલમ સિસ્ટમમાં દાખલ કરી સુનાક સરકાર દ્વારા લદાયેલા રાજ્યાશ્રય પરના પ્રતિબંધને દૂર કરાશે. પાર્ટીએ જણાવ્યું હતું કે, માર્ચ 2023 સુધી યુકેમાં ગેરકાયદેસર પ્રવેશેલા તમામ વિદેશીઓના રાજ્યાશ્રય માટેના દાવા પર વિચારણા કરાશે.
લેબર પાર્ટી માને છે કે સરકારની રવાન્ડા સ્કીમ વિશ્વસનીય નથી પરંતુ પાર્ટીના જ કેટલાક વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે રવાન્ડા યોજનાની સફળતા લેબરની યોજનાઓને ધક્કો પહોંચાડી શકે છે. પાર્ટીએ આ માટે વૈકલ્પિક યોજના તૈયાર કરવી પડશે.
લેબર પાર્ટીની આ ઘોષણાએ આગામી સંસદની ચૂંટણી માટે લેબર અને કન્ઝર્વેટિવ વચ્ચે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ મુદ્દે જંગ નિશ્ચિત હોવાના સંકેત આપી દીધા છે. લેબર પાર્ટી રાજ્યાશ્રયના દાવાઓના ઝડપી નિકાલની નીતિ પર પણ વિચારણા કરી રહી છે અને તે નવા 1000 પ્રોસેસ યુનિટ સ્થાપવાની ગણતરીમાં છે.