લંડનઃ લેબર પાર્ટીએ લેસ્ટર ઇસ્ટ બેઠક પરથી ઉમેદવારી કરી રહેલા કીથ વાઝના ચૂંટણી ફંડિંગ પર સવાલો ઉઠાવ્યા છે. લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે, કીથ વાઝ તેમના ચૂંટણી પ્રચારનું ફંડિંગ કેવી રીતે કરી રહ્યા છે તે મુદ્દે પારદર્શક બનવું જોઇએ. કીથ વાઝ લેબર પાર્ટી સાથે છેડો ફાડી વન લેસ્ટર પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યાં છે. લેસ્ટરના મેયર અને લેબર નેતા સર પીટર સોલ્સબીએ માગ કરી છે કે કીથ વાઝ ચૂંટણી પ્રચાર માટેનું ફંડ ક્યાંથી આવે છે તે જણાવે.
સોલ્સબીએ જણાવ્યું હતું કે, કીથ વાઝ મધ્યમ આવક ધરાવતા હોવા છતાં એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચાર માટે ભંડોળ ક્યાંથી મેળવી રહ્યાં છે તે એક ચિંતાનો વિષય છે. કીથ વાઝ પૂરવાર કરી ચૂક્યાં છે કે તેમનો વ્યવહાર જાહેર સેવક પાસેથી અપેક્ષા કરાય છે તેવા મૂલ્યો આધારિત નથી.
સોલ્સબીના આરોપોનો જવાબ આપતાં લેસ્ટર વન પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારા બંધારણ પ્રમાણે અમે અમારા બે ઉમેદવાર માટે ડોનેશન આપવા અપીલ કરી છે. આ ડોનેશનની અન્ય પાર્ટીઓની જેમ જ નોંધ કરાશે. અમને પ્રાપ્ત થનારા તમામ ડોનેશનના ચૂંટણી પંચના નિયમો અનુસાર રેકોર્ડ રખાશે. સોલ્સબીની ધારણાઓ બકવાસ છે. સોલ્સબી અમારી પાર્ટીના અભિયાન અંગે કશું જાણતા નથી. તેઓ તેમના ઉમેદવારો માટે પ્રચાર કરવાને બદલે પત્રકારો સાથે વાતચીતમાં વધુ સમય વેડફી રહ્યા છે.