લંડનઃ તાજેતરમાં લેબર પાર્ટીએ ૨૫ સપ્ટેમ્બરે બ્રાઈટનમાં તેમની વાર્ષિક કોન્ફરન્સમાં કાશ્મીર વિશે સર્વસંમત ઠરાવ પસાર કર્યા પછી પાર્ટીની ભારે ટીકા સાથે વિરોધ થઈ રહ્યો છે. ભારતીય ડાયસ્પોરા દ્વારા પાર્ટીના નેતા જેરેમી કોર્બીનને લખાયેલા ખુલ્લા પત્રમાં આ ઠરાવની સાથે લેબર પાર્ટીના ભારતવિરોધી વલણની પણ નિંદા કરવામાં આવી છે. દુઃખી અને રોષિત ભારતીય કોમ્યુનિટી અને સંસ્થાઓને દબાણ ઉભું કરવા આગળ આવી ખુલ્લા પત્રમાં સહી કરવાનો અનુરોધ કરાયો છે જેથી, જેરેમી કોર્બીન વોટબેન્કના ઉપયોગથી તંગદીલી વધારનારા રાજકીય સાથીઓના ‘બિનરાજકીય’ અભિગમ વિશે સત્વરે સ્પષ્ટ વલણ જાહેર કરે તેની ચોકસાઈ કરી શકાય. આ વિવાદાસ્પદ ઠરાવ બ્રિટિશ પાકિસ્તાની ઉઝમા રસૂલ દ્વારા રજૂ કરાયો હતો, જેમાં કથિતપણે જણાવાયું છે કે યુએનના ઠરાવો અનુસાર કાશ્મીરને આત્મનિર્ણયનો અધિકાર અપાવો જોઈએ અને લેબર પાર્ટીએ ‘કબજા સામે લડવામાં કાશ્મીરીઓની સાથે ઉભાં રહેવું જોઈએ.’
રસૂલે પોતાના સંબોધનમાં એવો દાવો કર્યાનું કહેવાય છે કે કાશ્મીરે ‘માનવ અધિકારોના ઉલ્લંઘનના ૭૨ વર્ષમાં’ ભારતીય લશ્કર દ્વારા સામૂહિક બળાત્કારો અને પેલેટ ગન્સથી ઈજાઓ નિહાળ્યાં છે.’ તેણે કહ્યું હતું કે, ‘આપણે ભારત સમક્ષ માનવતાવાદી એજન્સીઓ ત્યાં જઈ શકે અને મદદ કરી શકે તેની સુવિધા આપવાની તાકીદે માગણી કરવી જોઈએ.’
લેબર પાર્ટીના બ્લેકબર્ન, ડડલી નોર્થ, કેઈલી, સ્ટોકપોર્ટ અને વેકફિલ્ડ મતક્ષેત્રોના સમર્થન સાથેના ઠરાવમાં વધુ જણાવાયું હતું કે,‘ ભારતીય બંધારણના આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ તથા કાશ્મીરને અપાયેલા વિશેષ દરજ્જાને નાબૂદ કરવાના ભારત સરકારના તાજેતરના પગલાંને’ તે વખોડે છે. ‘તે કાશ્મીરી લોકોના આત્મનિર્ણયના અધિકારને સ્પષ્ટ અને મક્કમ અવાજે સમર્થન આપવા અને આ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય નીરિક્ષકો તાકીદે મોકલવામાં આવે તે માટે લેબર પાર્ટી (ગવર્મેન્ટ ઈન વેઈટિંગ)ને હાકલ કરે છે.’ આ ઠરાવમાં લેબર પાર્ટી યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં પણ હસ્તક્ષેપ કરે તેવી માગણી થઈ છે.’
ઠરાવ વિરુદ્ધ ભારતની ઝડપી પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, ‘ભારત સરકારે ૨૫ સપ્ટેમ્બરની લેબર પાર્ટીની કોન્ફરન્સમાં ભારતના જ્મ્મુ અને કાશ્મીર રાજ્યને સંબંધિત કેટલીક ઘટનાઓની નોંધ લીધી છે. આ કાર્યક્રમમાં લેવાયેલા બિનપાયાદાર અને ગેરમાહિતીસભર અભિગમોનો અમને ખેદ છે.’ તેમણે લેબર પાર્ટીના વોટબેન્ક આધારિત રાજકારણ સાથે કોઈ સંવાદને ફગાવી દીધો હતો. લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા વર્ષોથી કોન્ફરન્સ ખાતે લેબર પાર્ટી માટે પરંપરાગત ભોજન સમારંભ યોજવામાં આવે છે, તેનું આમંત્રણ તાત્કાલિક પાછું ખેંચી લેવાયું હતું.
લેબર પાર્ટીના ઈન્ડિયન કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ફોરમના પૂર્વ અધ્યક્ષ મનોજ લાડવાએ ‘વિભાજિત અને યહુદીવાદવિરોધી પાર્ટીના રાજકારણ’થી રોષે ભરાઈને જણાવ્યું હતું કે, ‘લેબર પાર્ટી હવે ડાબેરી કટ્ટરવાદીઓ અને જેહાદી તત્વો સાથે સહાનૂભૂતિ ધરાવતા લોકોના ગઠબંધન દ્વારા હાઇજેક થઇ ગઇ છે. ઐતિહાસિક દૃષ્ટિએ લેબર પાર્ટીએ ભારત અને યુકેસ્થિત ડાયસ્પોરા કોમ્યુનિટી સાથે સારા સંબંધો માણ્યા છે. પરંતુ, જેરેમી કોર્બીનની નેતાગીરી હેઠળ ભારત અને ભારતીયો વિરુદ્ધ સંસ્થાગત ભેદભાવ ગણાવી શકાય તેવા વલણથી આ સંબંધોમાં ભંગાણ પડ્યું છે.’ આ ઠરાવ સંબંધે મનોજ લાડવાએ કહ્યું હતું કે, ‘કાશ્મીર સંદર્ભે આ ઠરાવ ખોટો અને ગેરમાહિતીપૂર્ણ છે જેનાથી વિશાળ બહુમતી ભારતીયો લેબર પાર્ટીથી વિમુખ થશે.’
લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ અને લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ રાજેશ અગ્રવાલે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા ભારત અને યુકેસ્થિત ભારતીય કોમ્યુનિટી સાથે દાયકાઓ જૂની મિત્રતાનું ગૌરવ ધરાવે છે. અમે માનતા રહીએ છીએ કે કાશ્મીરના ભાવિ વહીવટનો મુદ્દો શાંતિપૂર્ણ અને આદર સાથે ઉકેલવાનો પ્રશ્ન છે, જે પ્રક્રિયામાં ભારત અને પાકિસ્તાન દેશોના સાર્વભૌમ અધિકારોને માન્ય રાખવા જોઈએ. એ સમજી શકાય છે કે પાર્લામેન્ટના કેટલાક લેબર સાંસદો તેમના મતક્ષેત્રો વતી ચોક્કસ રજૂઆતો કરવા ઈચ્છે છે પરંતુ, બ્રિટિશ લેબર પાર્ટી કોઈ ઉકેલ આપવાનું સ્થળ હોય તેમ અમે માનતા નથી...’
તેઓ વધુ ઉમેરે છે કે,‘હવે અમે આગળ માર્ગની વધુ ચર્ચા માટે પાર્લામેન્ટરી લેબર પાર્ટીમાંથી સાથીઓને એકઠાં કરીશું. અમે અમારા મહત્ત્વના મિત્ર અને સાથી તરીકે ભારત સાથે અમારી મિત્રતા અને સહકારને આગળ લઈ જવા માગીએ છીએ.’
૨૦૦૭થી ઈલિંગ અને સાઉધોલના લેબર પાર્ટીના સાંસદ વિરેન્દ્ર શર્માએ કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ તેમના પક્ષના વલણની ટીકા કરતા કહ્યું હતું કે, ‘લેબર પાર્ટીના અધિવેશનમાં આ ઠરાવ પસાર થયો તેનાથી હું ઘણો નિરાશ છું. હું કોન્ફરન્સમાં ન હતો અને મારા મતક્ષેત્રમાં શાળાઓ, કોમ્યુનિટી ગ્રૂપ્સ અને પોલીસ સાથે કામગીરીમાં વ્યસ્ત હતો. કાશ્મીર મુદ્દો ભારત દ્વારા અને તેના કાયદાઓ અનુસાર આંતરિકપણે ઉકેલવાની બાબત છે. બ્રિટન આત્મ-નિર્ણયના અધિકારનો ઉપદેશ આપી શકે નહિ. આમ કરી તેઓ ભારત સાથે રહેવાનું અવરોધે છે.’
લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ તેમજ ઈન્ટરનેશનલ ટ્રેડના શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ સાંસદ બેરી ગાર્ડિનરે આ ઠરાવને ‘ખોટી માહિતીપૂર્ણ અને પક્ષપાતી’ ગણાવ્યો હોવાનું મનાય છે.
કાશ્મીરી પંડિત્સ કલ્ચરલ સોસાયટી (યુકે)ના વિનોદ ટીકુએ ઈન્ડિયા ટુડે ગ્રૂપને જણાવ્યું હતું કે,‘લેબર પાર્ટી કટ્ટર ડાબેરી અને જેહાદીઓને વેચાઈ ગયાનું નિહાળતા આઘાત લાગે છે.’
બેજવાબદાર રાજકારણીઓ
વિચિત્રતા એ છે કે યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરાયા પછી ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધ અને ૭૦ના દાયકાની શરૂઆતમાં યુકે સ્થળાંતર કરી આવેલા ભારતીયો માટે લેબર પાર્ટી સ્વાભાવિક પસંદ બની રહી હતી. કાઉન્સિલોની એસ્ટેટ્સમાં ઉછરતા, ફેક્ટરીઓ અને કોર્નર શોપ્સમાં કામ કરતા ભારતીયો માટે લેબર પાર્ટી તેના ખુલ્લાંપણા અને ઈમિગ્રેશનતરફી વલણના કારણે આપમેળે મત આપવાને પાત્ર હતી. વર્ષો વીતવા સાથે ભારતીય કોમ્યુનિટી સદ્ધર બનતી ગઈ અને સમય સાથે કદમ મિલાવતી ગઈ તેમ મતબેન્ક રાજકારણ બદલાયું હતું. કોમ્યુનિટી સાથે સારા સંબંધો જાળવવામાં લેબર પાર્ટી પાછળ રહી ગઈ હતી. વાસ્તવમાં ૨૦૧૦માં સત્તા પર આવવામાં તેની નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ લેબર પાર્ટીમાં પાકિસ્તાનતરફી લાગણી અનાવશ્યક વધવા સાથે ભારતીય ડાયસ્પોરામાં ફેલાયેલી કડવાશ હતી.
લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હસ્તધૂનન કરતા કોર્બીનની તસ્વીર દર્શાવાતી હોવાં છતાં, ભારતીય ડાયસ્પોરામાંથી કોઈ એ ભૂલી શકે તેમ નથી કે ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુકેની સત્તાવાર મુલાકાતે આવતા અટકાવવાની અર્લી ડે મોશન પર સાંસદ તરીકે કોર્બીને સહી કરી હતી. પાર્ટી અને ભારત વચ્ચે વધુ સારા સંબંધોના નિર્માણ માટે રચાયેલી લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા તેમની પોતાની જ પાર્ટીના સંદેહના કારણે મૂક પ્રેક્ષક બની રહી હતી. લઘુમતી અથવા કોઈ ચોક્કસ ધર્મ પ્રત્યે રાજકીય પ્રાથમિકતા દર્શાવવામાં કોઈ નુકસાન નથી પરંતુ, આપણા દેશના વડા પ્રધાન બનવા મથતા પક્ષનેતા કોઈ લઘુમતી કોમ્યુનિટીની આવી તરફેણ કરે તે ભારે શરમજનક જ કહેવાય. તેમણે એ ભૂલવું ન જોઈએ કે વિપક્ષના નેતા તરીકે પણ વતન કે મૂળને લક્ષ્યમાં લીધા વિના તમામ નાગરિકોને સમાન ગણવાની તેમની ફરજ છે.
સત્તાવારપણે લેબર પાર્ટી માને છે કે કાશ્મીર મુદ્દો ભારતની આંતરિક બાબત છે પરંતુ, વિચિત્રતા તો એ છે કે બર્મિંગહામમાં ભારતવિરોધી ઠરાવે કેન્દ્રસ્થાન લીધું ત્યારે ભારતીય મૂળના કોઈ રાજકારણી ભારત માટે કદી ઉભા થયા નથી. વાસ્તવિકતા એ છે કે જ્યારે લેબર પાર્ટીમાં તેમના સાથીદારો બ્રિટનની ભૂમિ પર ખાલિસ્તાનતરફી અને ભારતવિરોધી અલગાવવાદી ચળવળોને ભડકાવતા હતા ત્યારે તેમનામાંથી કોઈ વિરોધ કરવા બહાર આવ્યું નથી. તેમાંથી ઘણાં તો આગળ વધીને આવા અલગાવવાદને ટેકો આપતા ઓલ પાર્લામેન્ટરી પાર્ટી ગ્રૂપ્સમાંથી એક દ્વારા જારી કરાયેલા પત્રોમાં સહી કરવા દોડી ગયા હતા. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ૧૫મી ઓગસ્ટના દિવસે કરાયેલી હિંસાને કોર્બીન દ્વારા વખોડી કઢાઈ નથી ત્યારે લંડનના મેયર સાદિક ખાને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ખાસ આર્ટિકલ દ્વારા કહ્યું છે કે, ‘હું સ્પષ્ટપણે સહમત છું કે જે થયું તે તદ્દન અસ્વીકાર્ય છે.’ તેમની પાર્ટી ‘હેટ-ઈન્ડિયા’ અભિયાન ચલાવી રહી છે ત્યારે કોર્બીન હજુ માફી માગવામાં નિષ્ફળ ગયા છે.