લંડનઃ ઈયુ રેફરન્ડમમાં બ્રેક્ઝિટના વિજયના પગલે લેબર પાર્ટીમાં જેરેમી કોર્બીનની નેતાગીરી સામે બળવાના મંડાણ થયા છે. મંગળવારે કોર્બીન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં ૧૭૨ વિરુદ્ધ ૪૦ મતથી કોર્બીનનો પરાજ્ય થયો હતો. લેબર ડેમ માર્ગારેટ હોજ અને એન કોફી દ્વારા આ મોશન પાર્લામેન્ટરી લેબર પાર્ટી ચેરમેનને સુપરત કરાઈ હતી. આ પરાજય છતાં કોર્બીને હોદ્દો છોડવાનો ઈનકાર કરી જણાવ્યું હતું કે આ પ્રસ્તાવની કોઈ બંધારણીય કાયદેસરતા નથી. કોર્બીને રેફરન્ડમમાં કરેલા નબળા પ્રદર્શનના વિરોધમાં પાર્ટીના ૫૦થી વધુ ફ્રન્ટબેન્ચર સાંસદોએ શેડો કેબિનેટ સહિત તેમના હોદ્દાઓ છોડી દીધા છે. કોર્બીનનો વિરોધ કરનારામાં કેબિનેટના ૨૦ સીનિયર અને ૧૮ જુનિયર સભ્યોનો સમાવેશ થાય છે. પાર્ટી ભંગાણના આરે આવી ગઈ છે ત્યારે ૬૭ વર્ષીય નેતા કોર્બીને અગ્ર સાંસદોની અવગણના કરી પક્ષના નેતાપદેથી રાજીનામાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં કોર્બીને આંતરિક જૂથવાદની પ્રયુક્તિઓ સામે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો ત્યારે લેબર સાંસદોએ બૂમબરાડા સાથે તેમના રાજીનામાની માગણી કરી હતી.
વેસ્ટમિન્સ્ટરમાં શેડો કેબિનેટમાં ગંભીર ચર્ચા ચાલતી હતી ત્યારે સાઉથ યોર્કશાયરના લેબર સાંસદ એન્જેલા સ્મિથે સૌપ્રથમ બળવો પોકારી જેરેમી કોર્બીને પદત્યાગ કરવો જોઈએ તેવી માગણી કરી હતી. કોર્બીન સામે ઈયુ પ્રચાર અભિયાન દરમિયાન ‘અપૂરતી નેતાગીરી’ દર્શાવવાનો આક્ષેપ લગાવતાં તેમણે કહ્યું હતું કે,‘આ ખૂણામાં બેસી ડૂસકાં ભરવાનો સમય નથી. આપણે કોઈ સમય ગુમાવી ન શકીએ. આપણે જ્યાં છીએ તેની જવાબદારી જેરેમી કોર્બીને ઉઠાવવી જોઈશે. તેમણે પોતાની પોઝિશન અંગે વિચારવું રહ્યું. આપણા મતદારો જે સાંભળવા ઈચ્છતાં હતા તેવો સ્પષ્ટ સંદેશો અને સમર્થન તેમણે આપ્યો ન હોવાનું હું માનું છું.’
પાર્લામેન્ટરી લેબર પાર્ટીમાં પણ સાંસદો આક્રમક બની રહ્યા હતા. સાથીઓએ કોર્બીનને રાજીનામું આપવા અનુરોધ કર્યો હતો. કોર્બીને તત્કાળ ૨૦ ફ્રન્ટબેન્ચ નિયુક્તિ જાહેર કરી હતી. જોકે, જે રીતે ધડાધડ રાજીનામાં આવી રહ્યા છે તેની સરખામણી નિયુક્તિઓ ધીમી પડી હતી. કોર્બીનની ૩૦ સભ્યોની શેડો કેબિનેટમાંથી બે તૃતીઆંશ સભ્યોએ રાજીનામાં આપી દીધાં છે અને બે લેબર ઉમરાવો એન્જેલા સ્મિથ અને લોર્ડ બાસામે તો કોર્બીન રાજીનામું ન આપે ત્યાં સુધી કોઈ કેબિનેટ બેઠકોનો બહિષ્કાર કર્યો છે.
જોકે, લેબર પાર્ટીના કાર્યકરોનું ભારે સમર્થન હોવાના દાવા સાથે કોર્બીને રાજીનામાની માગણી ફગાવી દીધી હતી. પાર્લામેન્ટની બહાર કોર્બીન સમર્થકો એકઠાં થયાં હતાં અને નવ મહિના અગાઉ ભારે બહુમતીથી ચૂંટાયેલા નેતા સામે બળવો કરાશે તો સાંસદોને ડીસિલેક્શનનો સામનો કરવો પડશે તેવી ચેતવણી પણ આપી હતી.
કોર્બીન સામે એવો પણ આક્ષેપ થયો છે કે બ્રિટનને ઈયુમાં રાખવા માટે લેબર પ્રચાર છતાં કોર્બીને પોતાનો મત લીવની તરફેણમાં આપ્યો હતો. એક આઈટી વર્કરે કહ્યું હતું કે તક મળશે તો ઈયુ છોડવાનો મત આપીશ તેમ કોર્બીને બે સપ્તાહ અગાઉ રેસ્ટોરાંમાં એક વાતચીતમાં કહ્યું હતું. જોકે, કોર્બીનની ઓફિસે આ આક્ષેપ નકાર્યો હતો. યુરોપિયન યુનિયનમાં રહેવા ઈચ્છતાં લાખો લોકોનું કહેવું છે કે, તેમણે નબળું અભિયાન ચલાવ્યું હોવાથી જ આજે બ્રિટન તેનાથી અલગ થઈ ગયું છે. ઈયુમાં રહેવા માટે જનમત ઊભો કરવાની રાજકીય જવાબદારી જેરેમી કોર્બિનના માથે હતી.
રાજીનામાં આપનારા સભ્યો
નિક ડાકિન, રિચાર્ડ બર્ડન, મેલાઈન ઓન, જેક ડ્રોમી. સર કેન સ્ટાર્મેર, થંગામ ડેબોનેર, લુઈસિયાના બર્જર, નિક થોમસ-સીમોન્ડ્સ, કેટ ગ્રીન, સુસાન એલન જોન્સ, નીઆ ગ્રિફિથ, મારિયા ઈગલ, જ્હોન હિલી, એન્જેલા ઈગલ, લિસા નાન્દી, ઓવેન સ્મિથ, જેની ચેપમેન, એલેક્સ કનિંગહામ, જેસ ફિલિપ્સ, સ્ટીવ રીડ, ઈવોન ફોવાર્ગ્યૂ, વાયને ડેવિડ, રુથ સ્મિથ, નિલ કોયલ, સ્ટીફન કિનોક, એના તુર્લે, ટોબી પર્કિન્સ, ડાયના જ્હોન્સન, ક્રિસ બ્રાયન્ટ, કાર્લ ટર્નર, લોર્ડ ફાલ્કનર, વર્નોન કોકર, લિસી પોવેલ, સીમા મલ્હોત્રા, કેરી મેક્કાર્થી, લિલિઅન ગ્રીનવૂડ, ઈઆન મરે, ગ્લોરિયા દ પિએરો, હેઈદી એલેકઝાન્ડર, હિલેરી બેન (હકાલપટ્ટી)