લંડનઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ખાલિસ્તાની અલગતાવાદીઓના સમર્થન બાદ હવે યુકેમાં પણ ખાલિસ્તાન સમર્થક નેતા સામે આવી રહ્યાં છે. સેન્ડવેલ કાઉન્સિલના લેબર પાર્ટીના શીખ કાઉન્સિલર પરબિન્દર કૌરે ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કથિત પોસ્ટ મૂકી હોવાના આરોપ મૂકાયા છે જેની તપાસ લેબર પાર્ટી દ્વારા શરૂ કરાઇ છે.
પરબિન્દર કૌરે કથિત રીતે ઇન્ટરનેટ પર બબ્બર ખાલસાની પ્રશંસા કરી હોવાનો આરોપ છે. બબ્બર ખાલસા ખાલિસ્તાની ચળવળને સમર્થન કરતું આતંકવાદી સંગઠન છે. 1985માં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોંબ વિસ્ફોટ કરી 329 પ્રવાસીઓના મોત માટે આ સંગઠન જવાબદાર હતું. ભારત અને યુકેમાં બબ્બર ખાલસાને આતંકવાદી સંગઠન જાહેર કરાયું છે.
કૌરે લેબર કાઉન્સિલરો અને એક્ટિવિસ્ટોના વોટ્સ એપ ગ્રુપમાં બબ્બર ખાલસા સંગઠનના સ્થાપકો પૈકીના એક સુખદેવસિંહ બબ્બરની પ્રશંસા કરી હતી. ખાલિસ્તાની ચળવળ પર પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા માટે બબ્બરે 76 નિરંકારીની હત્યા કરી હોવાનો દાવો કરાયો હતો.
2022માં કૌરે 1995માં પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી બિઅંતસિંહની હત્યા માટે સુસાઇડ બોમ્બર બનનારા પંજાબ પોલીસના અધિકારી દિલાવરસિંહ બબ્બરની તસવીર શેયર કરી હતી અને તે દિવસને શહીદ દિવસ ગણાવ્યો હતો.