લંડનઃ 4 જુલાઇએ યોજાનારી સંસદની ચૂંટણીમાં હોટ ફેવરિટ મનાતી લેબર પાર્ટીએ જૂન 1984માં ભારત સરકાર અને સેના દ્વારા પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણમંદિરમાં ચલાવાયેલા ઓપરેશન બ્લૂ સ્ટારમાં બ્રિટનની ભુમિકાની તપાસ કરવાનું વચન આપ્યું છે. અલગ ખાલિસ્તાનની માગ સાથે લડી રહેલા જરનૈલસિંહ ભિન્દરાનવાલે અને અન્ય શિખ આતંકવાદીઓનો આ ઓપરેશનમાં સફાયો કરાયો હતો. ત્યારબાદના ઘટનાક્રમમાં તત્કાલિન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ અંગત શિખ સુરક્ષા ગાર્ડો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.
લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર એન્જેલા રેનોરે જણાવ્યું હતું કે, સુવર્ણ મંદિર પર કરાયેલી કાર્યવાહીની 40મી વરસી નિમિત્તે લેબર પાર્ટી શિખ સમુદાયની પડખે ઊભી છે. ઓપરેશન બ્લૂ સ્ટારમાં બ્રિટનની શું ભુમિકા હતી તેની તપાસ કરવા શિખ સમુદાય લાંબા સમયથી માગ કરી રહ્ય છે. જો લેબર પાર્ટીની સરકાર બનશે તો તે સત્ય બહાર લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પ્રતિબદ્ધ છે.
કોવેન્ટ્રી સાઉથના લેબર ઉમેદવાર ઝારાહ સુલતાનાએ જણાવ્યું હતું કે, માર્ગારેટ થેચરની સરકારની ભુમિકા હજુ પણ ગુપ્ત રાખવામાં આવી છે. સત્ય બહાર લાવવાની શિખ સમુદાયની માગને હું સમર્થન આપું છું. સ્લાઉના લેબર ઉમેદવાર ટેન ઢેસીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સુવર્ણ મંદિર પર હુમલો કરવાના ઇન્દિરા ગાંધીના આદેશને 40 વર્ષ વીતી ગયાં છે તેમ છતાં પીડિતોને હજુ કોઇ ન્યાય મળ્યો નથી. તત્કાલિન થેચર સરકારની ભુમિકા અંગે પણ યુકેમાં કોઇ તપાસ કરાઇ નથી.
જાન્યુઆરી 2014માં જાહેર કરાયેલા ક્લાસિફાઇડ દસ્તાવેજોમાં ઓપરેશન બ્લૂ સ્ટારમાં તત્કાલિન યુકે સરકારની સંડોવણી હોવાનો દાવો કરાયો હતો. દસ્તાવેજો અનુસાર ઓપરેશન પહેલાં બ્રિટને ફેબ્રુઆરી મહિનામાં એસએએસ અધિકારીને ભારત મોકલ્યો હતો જેથી સુવર્ણ મંદિરમાંથી શિખ અલગતાવાદીઓને ખદેડી શકાય. ઇન્દિરા ગાંધી દ્વારા આ મદદ માગવામાં આવી હતી.