લંડનઃ લેબર સરકારના એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપસને જણાવ્યું છે કે અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર લદાયેલા વિઝા નિયંત્રણો દૂર કરવાની સરકારની કોઇ યોજના નથી. જાન્યુઆરીમાં ટોરી સરકારે લાદેલા નિયંત્રણો અંતર્ગત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેમના પરિવારના સભ્યોને યુકેમાં લાવી શક્તાં નથી.
એજ્યુકેશન સેક્રેટરીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા આર્થિક રીતે અને સ્થાનિક સમુદાયોમાં અપાતા યોગદાનની પ્રશંસા તો કરી હતી પરંતુ વિઝા નિયંત્રણો હટાવી લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, આર્થિક રીતે જોઇએ તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. વિશ્વ સાથેના સંબંધોમાં પણ તેમનો મોટો હિસ્સો છે. એક દેશ, વેપાર સંબંધો, તકો અને અન્ય દેશો સાથેના સંબંધો પર તેઓ અસર કરે છે.
જોકે આ વિઝા નિયંત્રણોને કારણે આ વર્ષે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અરજીઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકાર ગ્રેજ્યુએટ વિઝા રૂટની પણ સમીક્ષા કરી રહી છે તેથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર વધુ નિયંત્રણો લાદવામાં આવે તેવી પણ સંભાવના છે.