લંડનઃ લેબર સરકારે પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક દ્વારા પ્રસ્તાવિત નેશનલ મેથ્સ એકેડેમીનો છેદ ઉડાડી દીધો છે. પૂર્વ વડાપ્રધાન નેશનલ મેથ્સ એકેડેમીની સ્થાપનાના પ્રખર હિમાયતી હતા. ગણિતશાસ્ત્રીઓનો આરોપ છે કે સરકારના આ નિર્ણયને કારણે ઘણી હતાશા પ્રવર્તી રહી છે.
રિશી સુનાકે દેશના યુવાઓના ગણિતના જ્ઞાનમાં સુધારો કરવાના લક્ષ્યાંક સાથે આ યોજના તૈયાર કરી હતી. તેમને આશા હતી કે પ્રસ્તાવિત એકેડેમીની મદદથી ગણિતના વ્યાપને વધારી શકાશે અને તે અન્ય વિજ્ઞાનો સાથે કદમ મિલાવી શકશે.
જો આ એકેડેમીની સ્થાપના થઇ હોત તો તે પાંચમી નેશનલ એકેડેમી રહી હોત. આ પહેલાં રોયલ સોસાયટી, ધ રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંહ, ધ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિઝ અને બ્રિટિશ એકેડેમી કાર્યરત છે. રિશી સુનાકે વચન આપ્યું હતું કે, મેથેમેટિક્સ એકેડેમી આપણા સમાજને ભવિષ્યની એઆઇ અને કોમ્પ્યુટિંગની દુનિયામાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરવા કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરશે.