લંડનઃ લેબર સાંસદ નવેન્દુ મિશ્રા દ્વારા સંસદમાં ભારતીય હિતો પર સંખ્યાબંધ સવાલ પૂછાયા હતા પરંતુ તેમના પર ભારતીય સંગઠનો પાસેથી મળેલું હજારો પાઉન્ડનું ડોનેશન જાહેર નહીં કરવાનો આરોપ મૂકાયો છે. સ્ટોકપોર્ટના લેબર સાંસદ મિશ્રાને ગયા વર્ષની લેબર પાર્ટીની કોન્ફરન્સના આયોજન માટે ભારતીય હાઇ કમિશન તરફથી 4929 પાઉન્ડનું ડોનેશન પ્રાપ્ત થયું હતું.
નવેન્દુ મિશ્રાએ કબૂલાત કરી હતી કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પાસેથી ભારતના વિવિધ શહેરોની મુલાકાત માટે 11,304.50 પાઉન્ડની સહાય મેળવી હતી.
લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નવેન્દુ મિશ્રાએ સંસદમાં બોલતા સમયે હંમેશા તેમના હિતો જાહેર કર્યાં છે પરંતુ લેખિત પ્રશ્નો માટે તેમણે તેમ ન કરતાં મને તે અંગે કોમન્સ રજિસ્ટ્રારને જાણ કરવાની ફરજ પડી હતી.
સાંસદો માટેના નિયમ પ્રમાણે સાંસદે સંસદમાં લેખિત પ્રશ્ન પૂછતા સમયે તેને સંબંધિત હિત અંગે ઉલ્લેખ કરવો ફરજિયાત છે.