ચૂંટણીના પરિણામ અપેક્ષાથી ઘણા વિપરિત આવ્યાં છે. કોઇએ એવી અપેક્ષા રાખી નહોતી કે લેબર પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીને રાખમાં મિલાવી આટલી અણધારી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી કરશે. ચૂંટણીના પરિણામને આવકાર તો છે પરંતુ તે અત્યંત જોખમી પણ છે. સંસદમાં વિરોધ જેવું કશું દેખાશે જ નહીં અને તે લોકશાહી માટે ચોક્કસપણે બિનઆરોગ્યપ્રદ કહી શકાય. આ સ્થિતિ કઇ દિશામાં દોરી જશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે પરંતુ એ વાતમાં કોઇ શંકા નથી કે આ સ્થિતિના ગંભીર પરિણામો જોવા મળશે. અસરકારક વિરોધપક્ષની ગેરહાજરીને કારણે આપખુદશાહી અથવા તો લેબર પાર્ટીમાં જ આંતરિક વિભાજનો અને વિખવાદો જોવા મળી શકે છે. આ પ્રકારની બહુમતી એવા ખતરનાક સંકેતો આપે છે કે તેનો ઉપયોગ આપણા મોટા સંસ્થાનોની ધરમૂળથી પુનઃરચના માટે થઇ શકે છે. આવું ત્યારે બની શકે છે જ્યારે પાર્ટીનું સંચાલન જુસ્સાથી પ્રેરિત વિચારધારાથી થતું હોય. જોકે આના કોઇ મજબૂત પુરાવા હાલ તો દેખાઇ રહ્યાં નથી. તેથી અહીં તહીં નાના બદલાવ અને વહેણમાં તણાઇ જવેનો ભય રહે છે, વિશેષ જ્યારે અગાઉની લેબર સરકારને પણ આ પ્રકારની અપીલો કરાઇ હોય.
બીજીતરફ નાઇજલ ફરાજ અને તેમની પાર્ટીને પબ્લિક પ્લેટફોર્મ મળ્યું છે પરંતુ ફક્ત હાઉસ ઓફ કોમન્સમાં. હાઉસ ઓફ લોર્ડ્સમાં તેમનું અસ્તિત્વ નથી. આના કારણે તેમને પોતાના મંતવ્યો થોપી બેસાડવા અને સંસદમાં પોતાના કેટલાક સભ્યો નિયુક્ત કરવાની તક આપશે. હકીકત એ છે કે રિફોર્મ યુકે 100 કરતાં વધુ બેઠકો પર બીજા સ્થાને રહી છે જે તેમને રાજકીય મજબૂતાઇ અને આત્મવિશ્વાસ અપાવે છે. બાકીના સાંસદો પાસે રિફોર્મ યુકેની રાજનીતિને ઉઘાડી પાડવા અને વખોડવાની તક છે. આ પ્રકારની તકોને જવા દેવાશે નહીં અને આજ અસલ ભયસ્થાન છે.
કન્ઝર્વેટિવ પાર્ટીને કચડી નાખતા જનમતના રાજકીય પરિણામ ગંભીર બની શકે છે અને તેની અવગણના કરવી જોઇએ નહીં. નવી પરિસ્થિતિમાં દરેક રાજકીય પાર્ટીએ પોતાની સ્થિતિ પર પુનઃવિચાર કરવો પડશે. આ સંદર્ભમાં કન્ઝર્વેટિવ અત્યંત મહત્વના છે. તેમને વધુ જમણેરી ઝોક ધરાવતા થવા દેવાની પરવાનગી આપી શકાય નહીં. આ સ્થિતિ તેમના માટે જ નહીં પરંતુ દેશ માટે પણ ભયજનક સાબિત થશે. તેઓ સત્તામાં રહી ચૂક્યાં છે, તેઓ સત્તાની જવાબદારી સારી રીતે સમજે છે અને દેશ પ્રત્યે અત્યંત પ્રતિબદ્ધ છે. લેબર પાર્ટીએ એ જોવુ પડશે કે આપણા રાજકીય જીવનનું ધ્રુવીકરણ ન થાય. લેબર પાર્ટીને દેશના લાંબાગાળાના હિતો માટે ચિંતા હોવી જોઇએ તેથી તેણે ટૂંકાગાળાના લાભોની અવગણના કરવી જોઇએ.