પ્રિય મિ. કોર્બીન
લેબર પાર્ટી અને બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી
અમે આ પત્ર બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની સંસ્થાઓ તરીકે સામૂહિકપણે લખી રહ્યા છીએ. અમને ઘોર નિરાશા ઉપજી છે કે હર મેજેસ્ટીના વિપક્ષે કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી બાબત હોવાના દીર્ઘકાલીન સર્વપક્ષીય વલણનો ત્યાગ કર્યો છે અને આમ કરવા સાથે યુનાઈટેડ કિંગ્ડમમાં સામુદાયિક વિસંવાદની બીજ વાવ્યાં છે.
તાજેતરની લેબર પાર્ટી કોન્ફરન્સમાં પસાર કરાયેલો તાકીદનો ઠરાવ અમને સ્વીકાર્ય નથી કારણકે તે ત્રીજા દેશોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા માગે છે અને તેનો મુસદ્દો એકપક્ષી અને વિભાજક છે. તમારા જ એક શેડો કેબિનેટ મિનિસ્ટરના શબ્દોમાં કહીએ તો તે ઠરાવ ‘અધકચરી માહિતી સાથે પક્ષપાતી’ છે.
કોમ્યુનિટી સંવાદિતા પર ગંભીર અને વિપરીત અસર ઉપજાવી શકે તેવા કાશ્મીર મુદ્દાને યુનાઈટેડ કિંગ્ડમના ઘરેલુ રાજકારણમાં ખેંચી લાવવાના વ્યાપક પ્રયાસોથી અમને ભારે ચિંતા ઉપજે છે. અમે ૧૫ ઓગસ્ટે ભારતીય હાઈ કમિશનની બહાર ભયાનક ઘટનાઓ અને ધરપકડોના સાક્ષી રહ્યા છીએ. એક તરફ, બ્રેક્ઝિટથી આપણા દેશમાં ગંભીર વિભાજન સર્જાયું છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને દીર્ઘકાલીન, મૂલ્યવાન વ્યૂહાત્મક સાથીદાર સાથે આપણા રાજદ્વારી સંબંધોનો નાશ કરવા સાથે યુનાઈટેડ કિંગ્ડમમાં વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે વધુ અલગાવ સર્જવાની જરા પણ જરૂર નથી.
ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં તમામ ધર્મોના લોકો, તમામ જાતિના અને તમામ વંશીયતાના લોકોના વિકાસમાં અવરોધરુપ જરીપુરાણી અને અસ્થાયી જોગવાઈને દૂર કરવા સામે લેબર પાર્ટીના અઘટિત પ્રત્યાઘાતથી અમને વિશેષ નિરાશા ઉપજી છે. લેબર પાર્ટી પ્રગતિ, માનવ અધિકાર અને મૂલ્યો માટે અડગપણે ઉભી રહેશે તેવી અમારી અપેક્ષા હતી.
શંકાને ટાળવા માટે અમારા સંગઠનોએ કોઈ પક્ષીય રાજકારણનું વલણ લીધું નથી અને તમામ પક્ષોના સભ્યોને સ્થાન આપ્યું છે. જોકે, આ સંદર્ભમાં અમને આ ગંભીર મુદ્દાને પ્રકાશમાં લાવવાની જરૂર પડી છે. તમારા પક્ષ અને તમારા દ્વારા જે કઠોર અભિગમ અપનાવાયો છે તેના પરિપ્રેક્ષ્યમાં લેબર પાર્ટીના પ્રતિનિધિઓ સાથે સંવાદ-સંપર્ક આગળ વધારવાના સ્તર અને પ્રકાર વિશે પુનઃ વિચારણા કરવા અમે અમારા સભ્યો અને કોમ્યુનિટીના સાથીઓ સાથે પરામર્શ કરી રહ્યા છીએ.
તમારા તાકીદના પ્રતિભાવની અપેક્ષા છે.
સહી,
...................................................................................................................................................
---------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------
બ્રિટનસ્થિત સર્વ ભારતીય સંસ્થાઓને આહ્વાન
આ પત્રના સમર્થનમાં તમારી સંસ્થા-સંગઠનનું નામ ઉમેરવા માટે તમારા નામ, હોદ્દા અને તમે જેનું પ્રતિનિધિત્વ કરતા હો તે સંગઠનના નામ સાથે [email protected]ને ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ઈમેઈલ કરશો. આ પત્ર તમામ ક્રમાનુબદ્ધ સહી કરનારાઓ સાથે લેબર પાર્ટીના લીડર મિ. જેરેમી કોર્બીનને મોકલી આપવામાં આવશે.