લંડનઃ લેસ્ટર ઇસ્ટના પરિણામે બધાને ચોંકાવી દીધાં છે. સંસદની આ બેઠક પરથી સૌપ્રથમવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર કન્ઝર્વેટિવ ઉમેદવાર શિવાની રાજાનો વિજય થયો હતો. શિવાની રાજાને 14,526 મત મળ્યાં હતાં જ્યારે તેમના નિકટતમ ઉમેદવાર લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અને લેબર પાર્ટીના રાજેશ અગ્રવાલને 10,100 મત પ્રાપ્ત થયાં હતાં. આ બેઠક પરથી પૂર્વ લેબર સાંસદો ક્લાઉડિયા વેબ અને કીથ વાઝ પણ મેદાનમાં હતાં. વેબને 5,532 અને કીથ વાઝને 3681 મત પ્રાપ્ત થયાં હતાં. શિવાની રાજાએ ક્લાઉડિયા વેબ અને કીથ વાઝ જેવા ઘૂરંધર ઉમેદવારોને પરાજિત કરતાં આ પરિણામ ચોંકાવનારું ગણી શકાય કારણ કે છેલ્લા 37 વર્ષથી લેસ્ટર ઇસ્ટમાં લેબર પાર્ટી ચૂંટાતી આવી છે. 37 વર્ષમાં પહેલીવાર આ બેઠક પરથી ટોરી ઉમેદવાર ચૂંટાઇ આવ્યો છે.
શિવાની રાજા મૂળ ગુજરાતના દીવની વતની છે. તેમણે ચૂંટણી પ્રચારમાં બ્રિટિશ ભારતીય અને વિશેષ કરીને દીવ અને ગુજરાતના મતદારોને મતદાનમાં ભાગ લેવા ઘણા પ્રોત્સાહિત કર્યાં હતાં. શિવાનીના માતાપિતા 1970ના દાયકાના અંત ભાગમાં ભારતથી કેન્યા અને ત્યાંથી લેસ્ટરમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. શિવાની રાજાએ દ મોન્ટફોર્ટ યુનિવર્સિટી ખાતેથી ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક સાયન્સનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઇંગ્લેન્ડની સંખ્યાબંધ મોટી કોસ્મેટિક બ્રાન્ડ માટે કામ કર્યું છે.
રમખાણો સમયે અગાઉના સાંસદે હિન્દુઓને જવાબદાર ગણાવ્યા હતાઃ શિવાની રાજા
પોતાના વિજય સંબોધનમાં શિવાની રાજાએ જણાવ્યું હતું કે, મતદારો પોતે ઓરમાયા થઇ ગયા હોય તેવી અનુભૂતિ કરતા હતા. હું સ્થાનિક હોવાના કારણે મને તેમણે સમર્થન આપ્યું છે. કેટલાક ઉમેદવારોને અહીં બહારથી લાવીને થોપી દેવાયાં હતાં. અગાઉના સાંસદો જનતાની પડખે રહ્યાં નહોતાં તેથી મતદારો રાજકીય નેતાઓમાંથી વિશ્વાસ ગુમાવી બેઠાં હતાં. અગાઉના સાંસદ લેસ્ટરમાં રમખાણો થયાં ત્યારે જનતાના સમર્થનમાં ઊભા રહ્યાં નહોતા અને રમખાણો માટે હિન્દુઓને જવાબદાર ઠેરવ્યાં હતાં.
ક્વોટ
શિવાની રાજાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના દેખાવથી હું હતાશ થઇ છું પરંતુ સ્થાનિક સ્તરે ઘણો રોમાંચ અનુભવી રહી છું. મને લાગે છે કે લેસ્ટર સહિત સમગ્ર દેશ બદલાવ માટે તૈયાર હતો. લેસ્ટરમાં 30 કરતાં વધુ વર્ષથી લેબર પાર્ટીનો દબદબો હતો. પરિણામ ભલે ગમે તે આવ્યું હોય પરંતુ આપણે આપણા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરી તેના હિતોને પ્રાથમિકતા આપવી જોઇએ. હું સંસદમાં લેસ્ટરની જનતાનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છું. – શિવાની રાજા