લંડનઃ લેસ્ટર યુનિવર્સિટીમાં ઇરાની મૂળનો ૧૪ વર્ષનો મુસ્લિમ ટીનેજર મેથ્સનો પ્રોફેસર બની ગયો છે. તેનું નામ છે યાશા એસ્લે. તે ગેસ્ટ ફેકલ્ટી તરીકે પસંદ થયો છે. તે અહીં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે-સાથે અહીંથી ડિગ્રી પણ મેળવશે. યુનિવર્સિટીએ તેની કાબેલિયતને ધ્યાનમાં લઇને સૌથી નાની વયના વિદ્યાર્થી અને સૌથી નાની વયના પ્રોફેસરનું બિરુદ આપ્યું છે.
યાશાના પિતા રોજ તેને પોતાની કારમાં યુનિવર્સિટી મૂકવા આવે છે. યાશાને ગણિતમાં ખૂબ રૂચિ છે. તેના ગણિતના જ્ઞાનના કારણે તે ‘હ્યુમન કેલ્ક્યુલેટર’ તરીકે જાણીતો બન્યો છે. યાશા તેનો ડિગ્રી કોર્સ પૂરો કર્યા બાદ પીએચ.ડી. શરૂ કરવાનો છે. યાશા કહે છે કે તેણે ગેસ્ટ પ્રોફેસર બનવા માટે એક વર્ષ અગાઉ - ૧૩ વર્ષની ઉંમરે યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો. યુનિવર્સિટીની એક પેનલે તેની ઉંમર જોતાં તેને કેટલાક સવાલો કર્યા, જેના તેમને અપેક્ષાથી ખૂબ સારા જવાબ મળતાં પેનલ આશ્ચર્યચકિત થઇ ગઇ અને તેને ગેસ્ટ પ્રોફેસર તરીકે નિયુક્ત કરાયો. તે માટે યુનિવર્સિટીએ માનવ સંસાધન વિકાસ વિભાગની વિશેષ મંજૂરી લેવી પડી હતી. ૧૪ વર્ષનું બાળક ગણિતનું આટલું જ્ઞાાન ધરાવતું હશે અને અન્યોને ભણાવી પણ શકતું હશે તે જાણીને અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.