'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ સનાતન મંદિર – લેસ્ટરના ઉપક્રમે ૮૦ વર્ષ કરતા વધુ વયના સો વડિલોનું ગૌરવપૂર્વક સન્માન

- કમલ રાવ Tuesday 07th April 2015 14:13 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ સનાતન મંદિર – લેસ્ટરના ઉપક્રમે તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ શનિવારના રોજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા સો કરતા વધારે વડિલોનું લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝ, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ, સનાતન મંદિર, લેસ્ટરના પ્રેસિડેન્ટ શ્રી રમણભાઇ બાર્બર MBE – DL તેમજ અન્ય અગ્રણીઅોના વરદ હસ્તે લગભગ ૪૦૦ જેટલા મહેમાનોની ઉપસ્થિતીમાં સનાતન મંદિર – લેસ્ટર ખાતે શાનદાર સન્માન કરાયું હતું. ઉપસ્થિત સૌ વડિલોનું સન્માન કરાયા બાદ લેસ્ટરના વિખ્યાત ગાયક શ્રી ચંદુભાઇ મટ્ટાણી અને ગૃપે રજૂ કરેલ ભક્તિ ગીત 'ભૂલો ભલે બીજુ બધું મા બાપને ભૂલશો નહિં'ની સાથે મંચ પર ઉપસ્થિત એમપી શ્રી કિથ વાઝ અને અન્ય મહાનુભાવોએ હોલમાં ઉપસ્થિત સૌ સન્માનનીય વડિલોની આરતી ઉતારી હતી. આવું ભાવવિભોર દ્રશ્ય જોઇ હોલમાં ઉપસ્થિત સૌની આંખો ભીની થઇ ગઇ હતી.

આ સમારોહમાં 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સમગ્ર લેસ્ટરમાં હિન્દુ ધર્મની મશાલ પ્રજ્જવલિત રાખનાર સનાતન મંદિર – લેસ્ટરને હિન્દુ ધર્મની અવર્ણનીય સેવાઅો અને સામાજીક કાર્યોમાં વિશેષ યોગદાન આપવા બદલ સવિશેષ સન્માનપત્ર એનાયત કરાયું હતું.

કાર્યક્રમનો વિધિવત પ્રારંભ લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝ, તંત્રી શ્રી સીબી પટેલ, મંદિરના પ્રેસિડેન્ટ શ્રી રમણભાઇ બાર્બર MBE – DL તેમજ અન્ય અગ્રણીઅોએ દિપ પ્રગટાવીને કર્યો હતો.

૮૦ વર્ષની જૈફ વય પસાર કરી ચૂકેલા વંદનીય વડિલોનું સન્માન કરતા પૂર્વે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝે જણાવ્યું હતું કે 'આજે આ પ્રસંગે આપ સૌ માતા-પિતા તુલ્ય વડિલોનું સન્માન કરતા હું ખૂબજ આનંદ સાથે ગર્વની લાગણી અનુભવું છું. મારા માતુશ્રી પણ મારા પર અપાર હેત રાખતા હતા અને આજે આપ સૌને જોઇને મને તેમની યાદ આવી છે. આપણા વડિલોએ આપણા વિકાસ અને ઘડતરમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે અને તે કદી વિસરી શકાય તેમ નથી.'

શ્રી કિથ વાઝે પોતાના રાજકીય ભૂતકાળની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે 'જ્યારે હું પ્રથમ વખત લેસ્ટર ઇસ્ટની બેઠક માટે પસંદ થયો હતો ત્યારે મારા વડિલ, શ્રી સીબીને મળવા ગયો હતો અને ત્યારે તેમણે મને એક વાક્ય શિખવ્યું હતું કે 'તમને શું તકલીફ છે?' આજે પણ હું આપ સૌની તકલીફોનો અંત લાવવા ખૂબ જ આતુર છું અને સદાય પ્રયત્ન કરૂં છું.'

વડિલ સન્માન કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે 'આપ વડિલોએ આ દેશમાં સ્થાયી થવા અને વિકાસ કરવા માટે જે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેના ફળસ્વરૂપે આજે આપણી યુવા પેઢી પ્રગતિના પંથે પ્રયાણ કરે છે. આપ સૌએ વડિલોએ આપણામાં ખૂબ જ સારા સંસ્કારો અને મુલ્યોનું સિંચન કર્યું છે. હું આપ સૌ વડિલોમાં પરમાત્મા અને મારા માતા-પિતાના દર્શન કરું છું. શ્રી રમણભાઇ બાર્બર અને તેમની ટીમ વર્ષોથી અહી કોઇ જ પ્રકારની લાલચ કે લાલસા વગર જે હેતભાવથી સેવા કરી રહ્યા છે તેમને હું અભિનંદન સાથે શુભેચ્છાઅો પાઠવું છું.'

સનાતન મંદિર, લેસ્ટરના પ્રેસિડેન્ટ શ્રી રમણભાઇ બાર્બર, MBE – DL, એ જણાવ્યું હતું કે 'ગુજરાત સમાચાર'ના સહયોગથી આજે આ કાર્યક્રમનું આયોજન કરીને અમે ખૂબ જ ગર્વની લાગણી મહેસુસ કરીએ છીએ. સનાતન હિન્દુ મંદિરના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો ઉપરાંત અમે વડિલો માટે સેન્ટર પણ ઉભુ કર્યું છે જેના માટે આપ સૌના આર્થિક અનુદાનની અમને ખૂબ જ જરૂર છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની લોકપ્રિયતા અને જરૂરિયાતને લક્ષમાં લઇને લંડનના થોર્નટન હીથ ખાતે રહેતા અને વિવિધ સેવા કાર્યોમાં દાન કરવા માટે જાણીતા પૂ. કલાબેન રાયચૂરાએ છેક લંડનથી શ્રધ્ધાસુમન તરીકે £૫૦૦ મંદિરને દાન આપવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ કર્મયોગા ફાઉન્ડેશન દ્વારા મંદિરના સેવા કાર્યો માટે £૧૦૦૧નો ચેક મંદિરને મોકલી આપ્યો હતો. ચેક કાર્યક્રમમાં સન્માનીત વડિલો તેમજ તેમના પરિવારજનોએ પણ ઉદાર હાથે મંદિરના સત્કાર્યો માટે યથાશક્તિ આર્થિક ફાળો જમા કરાવ્યો હતો.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલે 'ગુજરાત સમાચાર અનેે એશિયન વોઇસ' પ્રકાશનો દ્વારા થયેલા વિવિધ સિમાચિહ્ન સમાન સેવા કાર્યો, વિવિધ પ્રસંગોએ રજૂ થતા વિશેષાંકો અંગે માહિતી આપી મોટી સંખ્યામાં લવાજમ ભરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે આ સમારોહના કો-અોર્ડીનેટર અને 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ એડિટર શ્રી કમલ રાવે ૮૦ વર્ષથી વધુ વયના વડિલોના સન્માન સમારોહના આયોજન પાછળના મહત્વપૂર્ણ હેતુ અંગેની માહિતી ભાવપૂર્વક રજુ કરી હતી.

વડિલ સન્માન કાર્યક્રમનું અન્ય મુખ્ય આકર્ષણ શ્રી ચંદુભાઇ મટ્ટાણી અને તેમના ગૃપના સાથીઅો સર્વશ્રી અમૃતભાઇ પટેલ, છોટુભાઇ પટેલ, મિનેશ પટેલ, ગૌરાંગ જોષી અને તબલા પર ધરમ વારીયા હતા. ચંદુભાઇએ પ્રારંભે અને પ્રવચનો પછી 'સુરેશ દલાલનું ભક્તિ ગીત 'હે ઇશ્વર દેવ દયાળુ', 'હે પરમેશ્વર', 'એ માલિક તેરે બંદે હમ', 'તુ પ્યાર કા સાગર હૈ', 'અનુભવીને એકલો આનંદમાં રહેવું રે', તેમજ છેલ્લે ઝાંબીયામાં તેઅો નિત્ય ગાતા હતા તે ધૂન 'ભજમન રાધે... ગોવિંદા' રજૂ કરતા હોલ તાળીઅોના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

કાર્યક્રમના અંતે કમલ રાવે આયોજનમાં ખૂબજ સુંદર સહકાર આપનાર સનાતન મંદિરની રસોઇ ટીમના સર્વે કાર્યકર્તાઅો, ફોટોગ્રાફી માટે સેવા આપનાર શ્રી નરેનભાઇ પંડ્યા, ભોજન માટે સ્પોન્સર શીપ આપનાર થોર્નટન હીથ, લંડનના સેવાભાવી પૂ. કલાબેન રાયચૂરા તેમજ વડિલ સન્માન માટેના પ્રમાણપત્ર તૈયાર કરવામાં મદદરૂપ થનાર 'ગુજરાત સમાચાર'ની અમદાવાદ અને લંડનની ટીમના ગ્રાફીક વિભાગના સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

(તસવીર સૌજન્ય: શ્રી નરેનભાઇ પંડ્યા, લેસ્ટર 0116 229 1496)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter