લેસ્ટરઃ એવોર્ડવિજેતા શેફ તેમજ લેસ્ટરસ્થિત સેન્ક્ટુઆ વીગન રેસ્ટોરાંન્ટના ૩૭ વર્ષીય માલિક બિંદુ પટેલનું ૨૪ જાન્યુઆરીને શુક્રવારે આકસ્મિક નિધન થયું હતું. તેઓ તેમની પાછળ પતિ નીલ અને ત્રણ બાળકોને છોડી ગયા છે.
ગયા વર્ષે એપ્રિલમાં પ્લેનેટ બેઝ્ડ રેસ્ટોરાં શરૂ થઈ ત્યારથી તેમણે ચાર પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યાં હતાં. તેમની નાદુરસ્ત તબિયતને કારણે આ રેસ્ટોરાં શરૂ કરવામાં વિલંબ થયો હતો અને બીમારીને લીધે રેસ્ટોરાં વારંવાર બંધ રહેતી હતી. દર પખવાડિયે મેનુમાં ફેરફાર કરવાના વીગન ક્વિઝિન પ્રત્યેના અભિગમને કારણે તાજેતરમાં જ તેમને ઓલિવ મેગેઝિન દ્વારા ‘વીગન પાયોનિયર’ તરીકે નવાજવામાં આવ્યાં હતાં. હેડ જજ લૌરા રોવે જણાવ્યું હતું કે બિંદુની ડિશીઝમાં ઘી અને મીટના પદાર્થો નથી હોતા તે માની શકાતું નથી.
ગત નવેમ્બરમાં સેન્ક્ટુઆને બે પુરસ્કાર મળ્યા હતા જેમાં, લેસ્ટરમાં યોજાયેલા ગ્રેટ ફૂડ ક્લબ એવોર્ડ્ઝમાં ‘એશિયન રેસ્ટોરાં ઓફ ધ યર’ અને લંડનમાં યોજાયેલા એશિયન કરી એવોર્ડ્ઝમાં ‘બેસ્ટ વીગન એન્ડ વેજિટેરિયન રેસ્ટોરાં’નો સમાવેશ થાય છે. ગત સમરમાં જૂનમાં માન્ચેસ્ટરમાં યોજાયેલા એશિયન રેસ્ટોરાં એવોર્ડ્ઝમાં સેન્ક્ટુઆને ‘વીગન રેસ્ટોરાં ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો હતો.
લેસ્ટરના ઓડબી ડિસ્ટ્રિક્ટમાં સેન્ક્ટુઆનો પ્રારંભ કરીને બિંદુ પટેલે તેમનાં જીવનનું સ્વપ્ન સાકાર કર્યું હતું. તે અગાઉ તેમણે જીમખાના સહિત લંડનની મીશેલીન - સ્ટાર્ડ રેસ્ટોરાં તેમજ તૃષ્ણા રેસ્ટોરન્ટમાં શેફ તરીકે કામ કર્યું હતું. તેમણે ફાર્મર અને લોયર તરીકે પણ કામ કર્યું હતું.