'કથીરમાંથી કંચન' એટલે કે કચરામાંથી સોનુ બનાવવાની આવડત બધામાં નથી હોતી. પરંતુ કહેવાય છે ને કે ગુજરાતીને વેપાર-વણજમાં કોઇ પહોંચી ન શકે. જી હા, અહી વાત કરીએ છીએ મૂળ નવસારી જીલ્લાના ગડતના વતની અને છેલ્લા ૪૦ વર્ષથી લેસ્ટરમાં વસતા પંકજભાઇ પંચોલીની. સમગ્ર યુકેમાં બાફેલા ઇંડા પૂરા પાડવાના વેપારમાં સૌથી અગ્રેસર એવા પંકજભાઇને ઇંડાના કોચલા ફેંકી દેવા માટે વર્ષ £૫૦ હજારનો ખર્ચો કરવો પડતો હતો, પરંતુ તેની સામે એજ ઇંડાના ખાલી કોચલામાંથી કમાણી કરવા માટે ખાસ સંશોધન કરાવી ઇજનેરોની મદદથી તેમણે એક યુનિટની હવે સ્થાપના કરી છે. પંકજભાઇના આગવા અને અનોખા સંશોધનને સમગ્ર વિશ્વમાંથી, ચોમેરથી આવકાર મળી રહ્યો છે અને કથીરમાંથી કંચન બનાવવાના વિચારના મોંફાટ વખાણ થઇ રહ્યા છે.
ખૂબજ સરળ અને નિખાલસ સ્વભાવના અને પાક્કા ગુજરાતી એવા પંકજભાઇએ 'ગુજરાત સમાચાર'ને પોતાના આગવા વેપારી અભિગમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 'મારો ધંધો ઇંડા બાફીને તેનું વેચાણ કરવાનો છે. અમે યુરોપભરમાંથી મોટા પ્રમાણમાં ઇંડા ખરીદીએ છીએ અને તેને બાફીને ઇંડાનું કોચલું એટલે કે કવચ કાઢીને સમગ્ર યુકેમાં વેચીએ છીએ. આ બાફેલા ઇંડા સેલડ, મેયોનીઝ, પિકલ્ડ એગ, સેન્ડવીચ સહિત વિવિધ વાનગીઅો બનાવવામાં વપરાય છે. અમે દેશભરના તમામ સુપરમાર્કેટ, સેન્ડવીચ સપ્લાયરને બાફેલા ઇંડા વેચીએ છીએ. સામાન્ય રીતે ઇંડાનું વજન જો ૩૫ ???? (વેબસાઇટ મુજબ ૭૩ ગ્રામથી ૩૫ ગ્રામ હોય) ગ્રામ હોય તો તેના ૧૨% એટલે કે આશરે ૪ ગ્રામ જેટલું વજન તેના કોચલાનું હોય છે. અમે સપ્તાહના ૧૫ લાખ ઇંડાનું વેચાણ કરીએ છીએ. તે તમામ ઇંડાના કોચલાને અત્યાર સુધી અમે કચરામાં ફેંકી દેતા હતા જે જમીનના પુરાણમાં વપરાતો હતો. આ કચરો ફેંકવાનો અમને વર્ષ £૫૦,૦૦૦ ખર્ચો આવતો હતો અને તેના પાછળ મહેનત કરવાની તે અલગ. વર્ષના £૫૦,૦૦૦ લેખે અમે ઘણી બધી રકમ આ કચરો ફેંકવા પાછળ ખર્ચી દીધી હતી જેનો સરવાળો કરતા મને લાગ્યું હતું કે આ કચરામાંથી કંચન કેમ ન બનાવવું. મેં અમારી સ્થાનિક લેસ્ટર યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગમાં સેવા આપતા ડો. એન્ડી એબોટ્ટને આ અંગે વાત કરી આ અંગે સંશોધન કરવા જરૂરી ફંડ પણ આપવાની બાંહેધરી આપી હતી.'
ડો. એબોટ્ટ અને તેમના સાથીઅોએ આ માટે સંશોધન કર્યું હતું. તેમણે ઇંડાના કોચલાને બરોબર છૂટુ પાડી, તેમાં ચોંટેલ પ્રોટીન અને મેમ્બ્રોન દૂર કરી, બરોબર સાફ કરીને તે કોચલાનો પાઉડર બનાવ્યો હતો. જેને 'કેલ્શીયમ કાર્બોનેટ' કહેવાય છે. આ કેલ્શીયમ કાર્બોનેટનો ઉપયોગ પ્લાસ્ટીકમાં ફીલર તરીકે મીક્સ કરીને અવનવી ચીજ – વસ્તુઅો તેમજ ફર્નીચર બનાવી શકાય. ઇંડાના કોચલાનો સમાવેશ કરવાથી તે પ્લાસ્ટીક વધારે મજબૂત બનશે અને બાયોડીગ્રેડેબલ એટલે કે જમીનમાં ભળી જાય તેવા પ્લાસ્ટીકની રચનમાં તેખૂબ જ મહત્વપૂર્ણ સાબીત થશે. આટલું જ નહિં ઇંડાના કોચલામાંથી સાફ કરાયેલ પ્રોટીનનો જે બગાડ હોય છે તે કેરાટીનથી સમૃધ્ધ હોય છે. આ કેરાટીન માનવ ત્વચાને ખૂબજ મદદરૂપ છે અને ઇજાથી થયેલા ઘાની સારવાર સહિતની વિવિધ તબીબી સારવારમાં તે મદદરૂપ થઇ શકે છે.'
તેમણે જણાવ્યું હતું કે 'એક વખત સંશોધન થઇ ગયા બાદ મળેલા પરિણામનો વાસ્તવિક રીતે ઉપયોગ કરવો કેવી રીતે? મારી ફેક્ટરી સવારના ૬થી રાતના ૧૦ વાગ્યા સુધી ચાલે. આ માટેની મશીનરીનો ખર્ચો પણ ભારે લાગતો હતો. પરંતુ મેં મારા ગ્રીમ્સબી સ્થિત મિત્ર અને ડેલ્ટા એન્જીનીયરીંગના માઇક મેક'નામારાની મદદથી સમગ્ર પ્રોસેસ માટે મશીનરીનું નિર્માણ કરવા તૈયારી કરી લીધી હતી. આ મશીનના નિર્માણ માટે £૩ લાખના ખર્ચનો અંદાજ હતો. પરંતુ અમે તેનો ઉકેલ પણ શોધી કાઢ્યો હતો અને નવા જ બિઝનેસ ઇનોવેશન તરીકે આઇનેટ નામની સંસ્થાએ અમને ૩૦% ગ્રાન્ટ આપી હતી. અમે મશીનરી નાંખીને તમામ તૈયારી અને ટ્રાયલ કરી દીધા છે અને હવે જે પહેલા અમારા માટે કચરો હતો તેને 'કેલ્શીયમ કાર્બોનેટ (ચોક)ના રૂપમાં વેચીને કમાણી કરવા તરફ જઇ રહ્યા છે. સામાન્ય રીતે સિક્કો ઉછાળો તો કાંતો હેડ આવે કે પછી ટેલ, પરંતુ મારા કિસ્સામાં તો જે કાંઇ આવે તે, હું તો આ નવા સંશોધન થકી બધી રીતે ફાયદામાં છું.'
મિત્રો, આખા યુરોપમાં આટલા મોટા પ્રમાણમાં બાફેલા ઇંડાનો વેપાર કરતા પંકજભાઇ એક માત્ર ગુજરાતી છે અને આ સંશોધન કરનાર વિશ્વના કદાચ સૌ પ્રથમ વ્યક્તિ છે. પંકજભાઇના આ સંશોધન બદલ તેમની ચોમેરથી પ્રસંશા થઇ રહી છે અને પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રી ફોરમ સહિત જાપાન અને ભારતથી તેમને નવા સંશોધન અંગે પ્રવચન આપવા નિમંત્રણ પણ મળી ચૂક્યા છે.'
પંકજભાઇની 'જસ્ટ એગ' નામની કંપનીએ આ અગાઉ ખાવા માટે તૈયાર કરેલા બાફેલા બે ઇંડાના મસાલેદાર પેકેટને બજારમાં મૂક્યા હતા, જે હાલમાં મોરીસન, બજ્જન, બુકર્સ, અને સ્પાર્સ દ્વારા વિવિધ દુકાનોમાં વેચાય છે અને તેને ખૂબજ સફળતા સાંપડી છે. આજ રીતે તેમની કંપની દ્વારા વિવિધ પ્રકારની સેન્ડવીચના ફીલીંગના તૈયાર ફ્રોજન પેકેટ પણ બનાવીને વેચવા મૂકાયા હતા. આ પ્રોડક્ટના સંશોધન અને લોંચ કરવામાં પંકજભાઇ સમગ્ર યુકેમાં સૌ પ્રથમ હતા. જસ્ટ એગની ઘણી બધી રેસીપીઝ આસડા અને ટેસ્કોમાં મળે છે.
કેરીઅો માટે વિખ્યાત એવા ગડતના મૂળ વતની પંકજભાઇ ખુદ સારા નાટ્ય કલાકાર છે અને વર્ષો પહેલા તેઅો ભારતીય વિદ્યાભવનના નાટકોના ઘણાં શો કરી ચૂક્યા છે. દર્પણ આર્ટ્સ ગૃપ સાથે સંકળાયેલા પંકજભાઇ ૩૦-૪૦ નાટકો અને ખાસ કરીને ભવન્સના એકાંકી નાટકોમાં ઉત્સાહભેર ભાગ લેતા હતા. દારેસલામમાં જન્મેલા પંકજભાઇએ નવસારીમાંથી માઇક્રોબાયોલોજીની ડીગ્રી મેળવી હતી અને પછી યુકે સ્થાયી થયા હતા. પંચોલી સમાજ યુકેમાં ૮-૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર પંકજભાઇ લેસ્ટરમાં પત્ની બીનાબેન, પિતા અંબાલાલ દલપતરામ પંચોલી, માતા ??? બેન અને નાના દિકરા સાગર પંચોલી સાથે રહે છે. સાગર ફૂડ ટેક્નોલોજીસ્ટ છે અને તે પિતા પંકજભાઇને બિઝનેસમાં મદદ કરે છે. જ્યારે તેમનો મોટો દિકરો નિશલ પંચોલી સિમેન્સ કંપની વતી લંડનના ક્રોસરેલ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ એન્જીનીયર તરીકે સેવા આપે છે.
પંકજભાઇ ખુદ 'ગુજરાત સમાચાર'ના વર્ષો જુના વાચક અને સમર્થક છે તેમજ યુવા વયે જ્યાૃે તેઅો ભવન્સ સાથે નાટ્ય પ્રવૃત્તી કરતા હતા ત્યારથી તંત્રી શ્રી સીબી પટેલના પરિચયમાં છે. તેઅો માને છે કે આપણે સૌ જ્ઞાન સાથે લઇ જવાના નથી અને એમાં પણ આપણે ગુજરાતીઅો તો ચિંથરે વિંતેલા રતન જેવા છીએ. મને પબ્લીસીટીની જરૂર નથી પરંતુ આ પ્રકારનું સંશોધન થઇ શક્યું તેનો આનંદ ખૂબજ છે.