લેસ્ટરના એશિયન મીડિયા જગતના ગુજરાતી/એશિયન મહિલા સુજાતા બારોટનું નામ આગલી હરોળમાં છે. બી.બી.સી. રેડિયો અને ટેલીવીઝન પ્રેઝન્ટર સુજાતાબહેન બારોટના કોવીદ-૧૯ને કારણે શનિવાર ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ના વહેલી સવારે અચાનક અવસાનના સમાચારથી લેસ્ટર સહિત સમગ્ર ગુજરાતી સમાજને ભારે આંચકો લાગ્યો છે.
ફેક્ટરીઓના કામદારોના ઓછા વેતન હોય, વિકલાંગો માટેનો પ્રશ્ન હોય કે લાયબ્રેરી બંધ થવાની હોય કે અન્ય કોઇ બાબત સામે જરૂર જણાય ત્યાં પોતાનો અવાજ કોમ્યુનિટી માટે રજુ કરી સામાજીક અન્યાય સામે ઝૂંબેશ જગાડનાર સુજાતાબહેને સૌના દિલમાં અનોખું સ્થાન મેળવ્યું હતું. એમની ખોટ સમાજમાં ન પૂરાય એવી પડશે.
હિંમત અને હકારાત્મક અભિગમ, નીડર, બહાદૂર તેમજ ઉર્જાથી ભરપૂર વ્યક્તિત્વ એમની ઓળખ હતાં. લેસ્ટર ઇસ્ટના એમ.પી કીથ વાઝની લોકપ્રિયતા અને વર્ષોથી એમનો ગઢ ગણાતા સામે બેલગ્રેવ વિસ્તારમાંથી ૨૦૧૭માં અપક્ષ તરીકે ઉભા રહેવાની હિંમત દાદ માગી લે છે. ચૂંટણીમાં જીત ન થઇ હતી પરંતુ લોકોના હ્દયમાં સ્થાન જરૂર મેળવ્યું.
સુજાતાબહેનને જ્યારે લાઇફ લોંગ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો ત્યારે એ તરત જ પોતાના માતુશ્રીને અર્પણ કરી માતૃભક્તિના દર્શન કરાવ્યાં હતાં. ત્રીસેક વર્ષ પહેલા સુજાતાબહેન બારોટનો ઇન્ટરવ્યુ લેસ્ટર મરક્યુરીના સંવાદદાતા તરીકે નિર્મળાબહેન ભોજાણીએ લીધું હતું. એમની મહિલા સંસ્થાને પણ સુજાતાબહેને પોતાનો સહકાર આપ્યો હતો.
હાલમાં તેઓ એમના બિમાર માતાની કેરર તરીકે સેવા કરતા હતા. એમના માતા કોવીદ-૧૯ બિમારીનો ભોગ બન્યાં અને ખુદ પણ. માતાની હાલત ગંભીર છે અને હોસ્પીટલમાં દેખરેખ હેઠળ છે. અને દિકરીએ અચાનક વિદાય લઇ લીધી. સદ્ગત યુવા પેઢી માટે એક રોલમોડેલ સમાન છે. સાચી સેવા એ માનવસેવા છે એ સુજાતાબહેને સાબિત કરી બતાવ્યું. સુજાતાબહેન એમની સુવાસ જેમને મળ્યા એમની પાસે છોડી ગયા છે. એમના ચહેરાનું સ્મિત એમના આંતરિક બળનું સાક્ષી બની રહેશે.
માનનીય કીથ વાઝે સદ્ગતને અંજલિ આપતા કહ્યું છે કે, “ સુજાતા બારોટ બહાદૂર, મજબૂત અને અધિકૃત નારી હતી. એ પોતાના સમાજનો અવાજ હતી. સાચી વાત સત્તાધારી સમક્ષ રજુ કરવામાં ખચકાતા નહિ. સમાજના પ્રશ્નોને વાચા આપવી એ એમનો સંકલ્પ હતો અને એ ક્યારેય હાર માની છોડી ન દેતાં. અમને એની ખોટ ખૂબ સાલશે. એમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ"
પરમાત્મા એ આત્માને શાંતિ બક્ષે એવી ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના.